
સુરત, 3 જૂન : દિનરાત ખડેપગે રહેતી સુરત પોલીસનો આજે માનવીય ચહેરો પણ સામે આવ્યો છે. સુરત શહેરમાં અણુવ્રત દ્વાર પાસે સવારે 10 : 45 વાગ્યે 23 વર્ષીય ધવલ વિષ્ણુભાઈ બારોટ કોઈ અગમ્ય કારણોસર ઓવરબ્રિજ પરથી આત્મહત્યા કરવાના ઈરાદા સાથે પસાર થઈ રહ્યો હતો. જેથી એક જાગૃત્ત યુવકે બ્રિજની નીચે ટ્રાફિક પોઈન્ટ,ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફને જાણ કરી હતી. જેથી હે.કો.મહેશભાઈ બદુભાઈ રાઠોડ, એલ.આર.જીતેશ જીવા તથા એલ. આર.રમેશ ભરા તથા મહિલા કોન્સ્ટેબલ કોમલબેન તથા ટી.આર.બી.અતુલભાઈ તથા આશાબેને જઈને યુવક સમજાવીને નીચે લાવી ઓફિસમાં બેસાડીને એક કલાક સુધી આત્મહત્યા ન કરવા સમજાવ્યો હતો. આ યુવક ધવલ બારોટના કાકા ગોવિંદ નટવરલાલ બારોટ તથા પિતા વિષ્ણુ નટવરલાલ બારોટને જાણ કરીને ધવલને સહીસલામત સોંપ્યો હતો.
આમ, સુરત શહેર પોલીસની માનવીય અભિગમના પરિણામે એક યુવકની જિંદગી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. પોલીસ સ્ટાફની હકારાત્મક કામગીરીથી અન્ય વિભાગોને પણ પ્રેરણા મળી રહી છે.