
સુરત,04 જૂન : મા ભોમની રક્ષા માટે દિવસ-રાત ખડે પગે રહી દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે હેતુસર ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ નિમિતે દર વર્ષે સમગ્ર રાજ્યમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો એકત્રિત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2021-22 દરમિયાન સુરત જિલ્લાને રૂ.55 લાખનો ફાળો એકત્ર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. તેની સામે સુરત જિલ્લાએ રૂ.70.55 લાખનું ભંડોળ એકત્રિત કરી સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ફાળો આપનાર જિલ્લા તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જેમાં સૌથી વધુ સુરત મહાનગરપાલિકાએ રૂ.11.59 લાખનો ફાળો એકત્રિત કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જેથી રાજ્યના સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ નિયામક, અમદાવાદ દ્વારા સુરત મહાનગરપાલિકાને પ્રશંસાપત્ર અને ટ્રોફી આપી બહુમાન કરાયું હતું. રાજ્ય સૈનિક બોર્ડ, અમદાવાદ વતી મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દિપકકુમાર તિવારી દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરના પી.એ. ઝવેરભાઈ પટેલને પ્રશંસાપત્ર સાથે ટ્રોફી આપવામાં આવી હતી.નોંધનીય છે કે, દર વર્ષે શહીદ સૈનિકોના પરિવારજનો, પૂર્વ સૈનિકોને કલ્યાણકારી લાભો માટે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં સરકારી, અર્ધસરકારી કચેરીઓ, શાળા/કોલેજો તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા યોગદાન આપવામાં આવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત