જલજીવન મિશન અંતર્ગત પારડી ગામે તમામ 1,315 ઘરોને ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પાણી પૂરું પાડી 100 ટકા સિદ્ધિ હાંસલ

સ્થાનિક
Spread the love

સુરત, 6 જૂન : જે જિલ્લાના વડામથકને વિશ્વનું સૌથી મોટું હીરા ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, જે જિલ્લાની કલા અને સંસ્કૃતિ વૈવિધ્યપૂર્ણ છે, તેવા સુરત જિલ્લાનાં મુખ્ય શહેર સુરતની ઓળખ છે, ડાયમંડ સિટી, રેશમ સિટી અને ધ ગ્રીન સિટી… સુરત શહેર વૈવિધ્યસભર વારસાને સાચવીને અડીખમ વિકસી રહ્યું છે, ત્યારે આ જિલ્લાનાં ગામો પણ કેમ પાછળ રહી જાય, સુરતમાં આવેલા કામરેજ તાલુકાનાં નવી પારડી ગામમાં જળક્રાંતિ થઈ છે. વર્ષો જૂની પાણીની સમસ્યાઓનું ‘જલ જીવન મિશન’ અંતર્ગત નિરાકરણ આવ્યું છે અને વિકાસની હરોળમાં આગળ વધી રહ્યું છે.
જળ વગરનું જીવન અશક્ય છે, માટે જ આપણે કહીએ છીએ કે, જળ એ જ જીવન છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જલ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તેમનો સંકલ્પ છે કે, સમગ્ર ભારત દેશમાં ઘરે ઘરે નળથી શુદ્ધ જળ મળે. પ્રધાનમંત્રીના આ સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, સુરતમાં આવેલું નવી પારડી ગામ. આ ગામની કુલ વસતી 5650 છે, જેમાં 1,315 ઘરો આવેલાં છે. ગામલોકો પોતાનો જીવન નિર્વાહ માટે મુખ્યત્વે ખેતી અને ખાનગી નોકરી પર નિર્ભર છે. અહીં વર્ષોથી લોકો કૂવાનાં પાણી પીને જીવન પસાર કરતાં હતાં, જેમાં કેટલાય કલાકો માત્ર પાણી મેળવવામાં વેડફાઈ જતા હતા, કારણ કે, ગામમાં માત્ર 2 જ કૂવા હતા અને રાજ્ય સરકારની વિવિધ યોજના થકી 8 જેટલા હેન્ડપંપ લગાવવામાં આવ્યા હતા.

નવી પારડી ગામમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં જળયોજના માટે રૂ. 13,97,535 રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગામમાં ત્રણ બોર કરાવવામાં આવ્યા તેમજ બે મોટર લગાવવામાં આવી હતી. ગામમાં પાણીના સંગ્રહ માટે આર.સી.સી.ની 30 હજાર લિટરની ક્ષમતાવાળી,40 હજાર લિટરની ક્ષમતાવાળી અને 10 હજાર લિટરની ક્ષમતાવાળી ટાંકીઓ તેમજ 1 લાખ લિટરનો ભૂગર્ભ સમ્પ બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2020-21માં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત આ ગામમાં ઘરે ઘરે નળ થકી જળ મળી રહે તે માટે રૂપિયા 2,43,638ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જેમાં ગામનાં તમામ 1,315 ઘરોને ‘નલ સે જલ’ યોજના હેઠળ 100 ટકા આવરી લેવામાં આવ્યાં છે.નલ સે જલ યોજના અંતર્ગત નાની પારડી ગામમાં ૫૨૫ મીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે, સાથે જ આ ગામમાં જે પાણીવિતરણ કરવામાં આવે છે તેનું વાસ્મો દ્વારા અપાયેલી વોટર ટેસ્ટીંગ કિટ દ્વારા નિયમિત ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. ગામલોકો આર.ઓ.પ્લાન્ટનું પાણી પી શકે તે માટે પંચાયત અને દાતાઓના સહયોગથી એક પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જે પાણી લેવા માટે માત્ર એક બટન દબાવવું પડે છે અને પંચાયત દ્વારા આપવામાં આવેલ કાર્ડને સ્કેન કરવાનું હોય છે, જે બાદ ગામલોકો તેનો સરળતાથી લાભ મેળવી શુદ્ધ પેયજળ પ્રાપ્ત કરી શકે છે. ગામની આ પહેલ ગામલોકો માટે કલ્યાણકારી નિવડી છે

આ ગામની વર્ષોથી ચાલી રહેલી પાણીની સમસ્યા ‘નલ સે જલ’ યોજના થકી 100 ટકા દૂર થઈ છે, જેનાથી ગામલોકો પણ ખૂબ ખુશ છે, હાલ સરકારની આ યોજનાને વધાવી આશીર્વાદરૂપ ગણાવી રહ્યાં છે. આ યોજનાના અમલથી તેમનો સમય અને શ્રમ બંનેનો બચાવ થયો છે. ગુજરાત સરકાર આવી જ કલ્યાણકારી કામગીરીમાં હંમેશાં અગ્રેસર રહે છે. આવી યોજનાઓના સફળ અમલથી સમજી શકાય છે કે, જન જનને વિવિધ યોજનાઓથી સમૃદ્ધિસભર જીવન પ્રદાન કરવા રાજ્ય સરકાર અભૂતપૂર્વ કાર્ય કરી રહી છે એ નિર્વિવાદ હકીકત છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *