
સુરત, 6 જૂન : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આઈકોનીક વીકનો શુભારંભ તથા ક્રેડિટ-લિંક્ડ સરકારી યોજનાઓ માટે ‘જન સમર્થ’ પોર્ટલને લોન્ચ કર્યું હતું. જેના ભાગરૂપે દેશના વિવિધ 75 સ્થળોએ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે સુરત શહેર ખાતે ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીના હસ્તે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આઇકોનિક વીકનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત આઈ.ટી.ના વડા રવિન્દ્રકુમારે હાજરી આપી હતી.

આ પ્રસંગે ગુજરાત આઈ.ટી.ના વડારવિન્દ્રકુમાર જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સરકારી યોજનાઓ માટે ‘જન સમર્થન’ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ વિવિધ યોજનાઓને એક જ પ્લેટફોર્મ પ્રદાન કરશે. આ પ્રકારનું પહેલું પોર્ટલ છે જે લાભાર્થીઓને ધિરાણકર્તાઓ સાથે જોડશે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ યોજનાઓને એક પ્લેટફોર્મ પર લાવીને અને નાગરિકોને યોજનાઓનો લાભ આપવાનો છે. ડિજિટલ માધ્યમથી તમામ યોજનાઓની માહિતી ઝડપી અને સરળ મળશે.

વડાપ્રધાનએ આજરોજ એક, બે, પાંચ, દશ અને વીસ રૂપિયાના સ્પેશિયલ સીરિઝના સિક્કા પણ પ્રસિધ્ધ કર્યા હતા. આ સિક્કાઓ પર સ્વતંત્રતાના અમૃત ઉત્સવનો લોગો આપવામાં આવ્યો છે. ઈ-પોર્ટલ એ સરકારી ધિરાણ યોજનાઓને લિંક કરતું વન-સ્ટોપ ડિજિટલ પોર્ટલ છે જે લાભાર્થીઓને ધિરાણકર્તાઓ સાથે સીધા જોડે છે. જન સમર્થન પોર્ટલમાં કેન્દ્ર સરકારની શિક્ષણ લોન, કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર લોન, આજીવિકા લોન, બિઝનેસ એકટીવી લોન એમ 4 કેટેગરીમાં 13 પ્રકારની લોન મળશે.

આ પ્રસંગે સામાજિક અગ્રણી લવજી બાદશાહ, મહેશ સવાણી, ગોવિંદ ધોળકિયા તેમજ નાના મોટા ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત