
સુરત, 6 જૂન : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત અને કાંઠા વિભાગ સાતત્ય વિકાસ સમિતિના સંયુક્ત ઉપક્રમે ચોર્યાસી તાલુકાના દામકા ખાતે કોમ્યુનિટી હોલમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભટલાઇ, વાંસવા, દામકા, સુવાલી, જુનાગામના 90 જેટલા ખેડૂતો જોડાયા હતાં.
આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કેવિકેના વડા ડો. જે.એચ.રાઠોડે પર્યાવરણમાં થતાં ફેરફારો, સ્વચ્છતા ઝુંબેશ વિષે સમજ આપી પ્રાકૃત્તિક કૃષિ અપનાવવા હાંકલ કરી હતી. કાંઠા વિભાગ સાતત્ય વિકાસ સમિતિના મનોજભાઇ પટેલે પર્યાવરણને બચાવવાના ઉત્તમ માર્ગ તરીકે વૃક્ષારોપણ પર ભાર મૂક્યો હતો. કેવીકેના વૈજ્ઞાનિક પ્રો. ગીતા ભીમાણીએ પર્યાવરણમા થતા ફેરફારને કારણે જમીન, હવા અને સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન અને વિશે માર્ગદર્શન આપ્યું હતું. કેવીકેના વૈજ્ઞાનિક પ્રો. ભક્તિ પંચાલે સરગવાની ખેતી અને સરગવાનું સ્વાસ્થ્ય જાળવવામાં યોગદાન અને અભિનવ પટેલે હવામાન પરિબળોની પાક ઉત્પાદન પર થતી અસરો અને હવામાન આગાહીથી થતા ફાયદા વિષે માહિતી આપી હતી. આભારવિધિ વિકાસ સમિતિના જીવરાજભાઈ સુતરિયાએ આટોપી હતી.

આ વેળાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા ઉપસ્થિત લાભાર્થી ખેડૂતોને 500 જેટલા સરગવાના છોડ અને કાંઠા વિભાગ સાતત્ય વિકાસ સંસ્થા દ્વારા નોવેલ ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રીયન્ટનું વિતરણ કરાયું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત