
સુરત, 6 જૂન : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે ભીમરાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા ‘સુમન આસ્થા’ આવાસની મુલાકાત લીધી હતી, અને અહીં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફ્લેટધારકો અને વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. લાભાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓના લાભો મળવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મંત્રીએ પલસાણા તાલુકાના અમલસાડી ગામે પણ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમણે મેળવેલા લાભો અને તેના થકી જીવનધોરણમાં આવેલા સુધારાની વિગતો જાણી હતી.

મંત્રીએ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવે, લોકો સ્વાવલંબી-આત્મનિર્ભર બને, આબાલવૃદ્ધ સૌના જીવનમાં ખુશહાલી આવે અને તમામ યોજનાઓના ફળો છેવાડાના માનવી સુધી પહોંછે એવા લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે એમ જણાવી સૌને ઉપયોગી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મંત્રીએ સુરત મહાનગરપાલિકાના બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પણ નિહાળી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પાલિકાના અધિકારીઓ, આવાસ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત