
સુરત, 7 જૂન : કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થયાં છે, ત્યારે દેશના કરોડો લાભાર્થીઓના સપના પણ પૂર્ણ થયાં છે. જનકલ્યાણ યોજનાઓએ અનેક ગરીબ પરિવારોને સહારો આપ્યો છે. ત્યારે સુરત શહેરમાં રહેતા 32 વર્ષીય ઉષા સંગાડાને પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મળેલા ઘરે ‘ખુશીઓની છત’ પૂરી પાડી છે.

મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ સુરતના ભીમરાડ વિસ્તારના ‘સુમન આસ્થા’ PM આવાસમાં રહેતા 32 વર્ષીય લાભાર્થી ઉષા સંગાડા જણાવે છે કે, સંજોગોવશાત મારા પતિથી અલગ થવું પડ્યું હતું, પરિણામે મારા પર 10 વર્ષીય દીકરા યુવરાજના ઉછેર, મકાન ભાડું તથા જીવનનિર્વાહની મોટી જવાબદારી આવી પડી, પરંતુ મેં આ કપરા દિવસોમાં મક્કમ મનોબળ રાખી રોજગારી અર્થે એક ખાનગી કંપનીમાં પ્રમોટર તરીકે જોડાઈ ગઈ. મહિનાનો પગાર જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા પૂરતો ન હતો. એવા સમયે પુત્રની શાળામાંથી મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી મળતા ફોર્મ ભર્યું અને ડ્રોમાં ભીમરાડ વિસ્તારમાં મને ‘સુમન આસ્થા’માં અંદાજિત રૂ.8.50 લાખનો ફ્લેટ જેમાં રૂ.2.67 લાખની સબસિડી મળી અને રૂ.6 લાખની લોન સહાય મળતાં હવે મને મારી માલિકીના ઘરનું ઘર મળ્યું છે. આજે આ ઘર મારા માટે સપનાના મહેલ સમાન બન્યું છે.
ઉષાબેને જણાવ્યું કે, પીએમ આવાસ યોજનાએ મને રહેવા માટે છત તો પૂરી પાડી જ છે, પણ જીવન જીવવાનો મહત્વપૂર્ણ આધાર પણ આપ્યો છે. કારણ કે મારા જેવી સિંગલ મધર માટે શહેરના મોંઘા ભાડા વાળું મકાન કે ફ્લેટ પોસાય તેમ નથી. માટે હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માનું એટલો ઓછો છે.

‘નોંધારાનો આધાર’ બનતી PM આવાસ યોજનાના આવાસના ઘરોમાં વિવિધ સમાજના લોકો સામૂહિક વસવાટ કરે છે, અને તમામ તહેવારો સાથે મળીને ઉજવતા હોય છે, જે ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવિધતામાં એકતા’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું ઉત્તમ ઉદાહરણ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત