
સુરત, 9 જુન : મહુવા તાલુકાના મિયાપુર ગામની 12 વર્ષીય કાવ્યા પટેલે ભરતનાટ્યમ આરંગેત્રમ નૃત્યમાં નિપુણતા મેળવી છે. કાવ્યા સુરતના અડાજણ સ્થિત એલ.પી.સવાણી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તાજેતરમાં સંજીવકુમાર ઓડીટોરીયમ-અડાજણ ખાતે શ્રેષ્ઠ નૃત્ય સમારંભમાં મનમોહક આરંગેત્રમ નૃત્ય રજૂ કરવા બદલ તેને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ચારના ગૃપમાં રજુ કરાયેલું આરંગેત્રમ નૃત્યમાં કાવ્યા સાથે ક્રિષ્ના, ક્રિષા અને દિગ્જા સામેલ હતી.નાનપણથી જ નૃત્યનો શોખ ધરાવતી કાવ્યાએ સાત વર્ષની ઉમરે જ સુરતના આનંદમહલ રોડ ખાતેના કલાસાગર ક્લાસીસના કલાગુરૂ મેઘના મહેતાના માર્ગદર્શનથી ભરતનાટ્યમ શીખવાનો પ્રારંભ કર્યો હતો. પાંચ વર્ષે કોર્સ પૂર્ણ કર્યા બાદ પરીક્ષા પાસ કરીને ભવિષ્યમાં પણ કલાક્ષેત્રે આગળ વધવા મક્કમ નિર્ધાર કર્યો છે.
આ કાર્યક્રમમાં પદ્મશ્રીથી સન્માનિત પ્રસિદ્ધ નાટ્યકાર યજદી કરંજીયા, નાટ્યક્ષેત્રના મહારૂખબેન, ચેન્નઈના શિક્ષક ગણેશ તથા નૃત્ય નિષ્ણાંત અને કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, આરંગેત્રમનો સીધો અર્થ પ્રદર્શન થાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતને શીખતા છાત્ર જ્યારે મંચ પર સૌની સમક્ષ પોતાનું પહેલા પ્રદર્શન માટે તૈયાર થઈ જાય છે ત્યારે તેમના માટે એક કાર્યક્રમ યોજવામાં આવે છે, જેને આરંગેત્રમ કહેવાય છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત