
સુરત, 9 જૂન : 181 મહિલા હેલ્પલાઈન-બારડોલી ટીમને કડોદરા ખાતે એક અજાણી મહિલા ગભરાયેલી અવસ્થામાં હોવાનો કોલ મળ્યો હતો. અભયમ રેસ્ક્યુ ટીમે દર્શાવેલા સ્થળે પહોંચી અજાણી મહિલાને સાંત્વના આપી તે સુરક્ષિત હોવાનો વિશ્વાસ બતાવ્યો હતો. પૂછપરછ કરતા આ મહિલા મૂળ દિલ્હીની હોવાનું બહાર આવ્યું હતું. અભયમ ટીમે કડોદરા પોલીસ સ્ટેશનના સહયોગથી મહિલાનો દિલ્હી સ્થિત પતિ સાથે સંપર્ક કરાવી તેઓ સુરત લેવા માટે આવે ત્યાં સુધી મહિલાને સુરક્ષિત આશ્રય આપ્યો હતો.ગભરાયેલી હાલતમાં રહેલી આ મહિલાનું અભયમે કાઉન્સેલિંગ કરતા તેણે કહ્યું કે, હું કમ્પ્યુટર કલાસમાં જઈ રહી હતી, એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરી ધમકાવ્યા બાદ મારૂ અપહરણ કરી બેશુદ્ધ અવસ્થામાં દિલ્હીથી ટ્રેનમાં બેસાડી સુરત લઈ આવ્યો હતો. હોશમાં આવ્યા બાદ રેલ્વે સ્ટેશનથી જીવ બચાવવા હું કડોદરા જતી રિક્ષામાં બેસી ગઈ હતી. મહિલાના પતિ અને પરિવારે રાજ્ય સરકારની 181 સેવા અને પોલીસ વિભાગની પ્રશંસા કરી આભાર માન્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત