
સુરત,9 જુન : કોર્ટોમાં કેસોના ભારણને પગલે સમાજમાં ન્યાયના ક્ષેત્રે વિલંબ થાય છે અને તેને જોતા નાની – મોટી બાબતોમાં ઉભા થતા વિખવાદો કોર્ટ કચેરીમાં ફેંસલાની રાહ જોતા વર્ષો વીતિ જાય છે. સમાધાનની રાહે વિવાદનો ફેંસલો કરવામાં આવે તો લોકોનો સમય અને ખર્ચ બચાવી શકાય. જેને સરકાર પણ અગ્રીમતા આપે છે. આવા સંજોગોમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષ 1987માં કાયમી સમાધાન પંચની સ્થાપના થઇ હતી. ત્યારથી આ સમાધાન પંચ આજે પણ અવિરતપણે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે.
ગુજરાત હાઇકોર્ટની માન્યતા ધરાવતા તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરત દ્વારા સંચાલિત કાયમી સમાધાન પંચમાં ચેમ્બરના સભ્યો, નિવૃત્ત ન્યાયાધિશો, વકીલો, ડોકટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તથા વિવિધ ક્ષેત્રોના મહિલા સામાજિક કાર્યરો માનદ્ સેવા આપે છે અને તેમની હાજરીમાં વિવિધ ઝઘડાઓનું સમાધાન થાય છે. જેમાં તમામ પ્રકારના ધંધાકીય ઝઘડા, સ્થાવર અને જંગમ મિલ્કતોના ઝઘડા, પતિ–પત્નીના આંતરિક ઝઘડા, કૌટુંબિક ઝઘડા, નાણાંની લેવડ–દેવડના ઝઘડા તથા અન્ય કોઇપણ પ્રકારના વિવાદોનું સમાધાન કરવામાં આવે છે.કાયમી સમાધાન પંચમાં ફકત અરજી કરવાની હોય છે. આ સેવા નિઃશુલ્ક છે તથા પ્રત્યેક માસના પ્રથમ અને ત્રીજા શનિવારે સાંજે 5:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઉપલબ્ધ છે. ડિસ્ટ્રીકટ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશની ઉપસ્થિતિમાં વિવાદની છણાવટ, તપાસણી અને અંતે ન્યાય આપવામાં આવે છે. સુરત અને સુરત બહારના પણ ઘણા કેસોની અરજીઓ આવે છે. આથી તેનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત