
સુરત,11 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે તા. 9 થી 11 જૂન 2022 દરમ્યાન ત્રણ દિવસ માટે ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનનો ઐતિહાસિક શુભારંભ થયો છે.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહેલી વિવિધ પ્રોડકટને જબરજસ્ત પ્રતિસાદ મળી રહયો છે. પ્રથમ દિવસની જેમ બીજા દિવસે પણ બાયર્સનો ધસારો રહેતા એકઝીબીટર્સને સ્થળ પર જ ઘણો સારો બિઝનેસ મળ્યો હતો.
એકઝીબીશનમાં બાયર્સ તરીકે આવેલા ઓસ્ટ્રેલિયન કંપનીના માલિક રૂદીશા પોલે જણાવ્યું હતું કે, પ્રદર્શનમાં મુકવામાં આવેલી બધી જ ટેકસટાઇલ પ્રોડકટ ઘણી સારી છે પણ તેમને ખાસ કરીને સુરતના ટેકસટાઇલ મેન્યુફેકચરર્સ દ્વારા બનાવવામાં આવેલા વિસ્કોસ અને લીનન પ્રોડકટમાં ઘણો રસ પડયો છે. બીજી સારી બાબત એ છે કે, આ પ્રોડકટની ડિલીવરી તેમને ભારતથી બે અઠવાડિયામાં મળી જશે.
ઇન્ડિયન અમેરિકન બિઝનેસ કોલેશન– શિકાગોના પ્રેસિડેન્ટ ડો. વિજય જી. પ્રભાકરે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યુએસએ ખાતે એકઝીબીશનનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને કારણે મેઇડ ઇન ઇન્ડિયા હેન્ડલુમ અને ટેકસટાઇલ પ્રોડકટની વૈશ્વિક બજારોમાં માંગ વધશે અને ભારતને નિકાસ વધારવા માટે ઘણું મોટું એકસ્પ્લોઝર મળી રહેશે.

એકઝીબીટર તરીકે આ પ્રદર્શનમાં ભાગ લેનારા સુરતના રૂપાલી સુરાનીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાયેલા આ પ્રદર્શનને ઘણો સારો પ્રતિસાદ મળી રહયો છે. આથી આ પ્રકારનું એકઝીબીશન દર વર્ષે યોજવામાં આવે. યુએસએ તથા અન્ય દેશોમાં પણ આવું પ્રદર્શન યોજાશે તો યુવા પેઢીને વિશ્વભરમાં તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરવા તેમજ વેચાણ કરવા માટે પ્લેટફોર્મ મળી રહેશે.
સાઉથ જ્યોર્જિયાના ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસીએશનના બોર્ડ મેમ્બર રાજીવ મેનને જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનમાં ટેકસટાઇલ પ્રોડકટની સાથે ભારતીય સંસ્કૃતિ પણ પ્રદર્શિત થઇ રહી છે. આ ઘણી સારી અને આવકારદાયક બાબત છે. જ્યોર્જિયાના રહીશ કાર્તિક ભટ્ટે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનને કારણે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર તો વધશે જ પણ તેની સાથે સાથે ભવિષ્યમાં મોટા પાયા ઉપર આવા પ્રકારના આયોજનો સરળતાથી થઇ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શનમાં ફેબ્રિક, ગ્રે, બ્લીચ ફેબ્રિક, સોફાના ફેબ્રિક, ટુવાલના ફેબ્રિક, નીટેેડ ગારમેન્ટ અને અન્ય ફેબ્રિકની જબરજસ્ત ડિમાન્ડ જોવા મળી રહી છે. પ્રદર્શનમાં હોમ ટેકસટાઇલ, પોલિએસ્ટર, વિસ્કોસ, કોટન, બ્લેન્ડેડ ફેબ્રિકસ, મહિલાઓ માટે ઇન્ડિયન એથનીક વેર, કુર્તી–કુર્તા, મેડીકલ ટેકસટાઇલ, એપરલ એન્ડ ગારમેન્ટ, હેન્ડીક્રાફટનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત