
સુરત, 11 જુન : ટીબીનો રોગ એ દેશની મુખ્ય આરોગ્ય સમસ્યા છે.વિશ્વના ચોથા ભાગના દર્દીઓ ભારત દેશમાં છે.ત્યારે, દેશના પ્રધાનમંત્રીના સંકલ્પ ” ટીબી મુક્ત ભારત-2025 ” અને ટીબી મુક્ત ગુજરાત ” ને અનુરૂપ ટીબી રોગનો પ્રચાર અને માહિતી પ્રસારણ તથા જનજાગૃતિ માટે આવતીકાલે 12મી જૂન-2022ના રોજ સવારે 9 કાલકે સુરત શહેરના ડુમસ રોડ સ્થિત હોટલ અમોરમાં ગુજ-ટીબી -કોન -2022નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સમગ્ર રાજ્યમાંથી તબીબો ઉપસ્થિત રહેવાના છે.આ સમગ્ર કાર્યક્રમની માહિતી આપવા અંગે શનિવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, સુરત શહેરના વિવિધ તજજ્ઞ તબીબો દ્વારા ટીબીની નાબુદી અંગે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા, દર્દીઓ માટે જરૂરી રાખવાની સાવચેતી સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદનું સંચાલન ડો.પારુલ વડગામા કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટીબી રોગને વર્ષ-2035 સુધીમાં સમગ્ર વિશ્વમાંથી નાબૂદ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.ત્યારે, ભારતના પ્રધાનમંત્રી મોદીએ આગામી વર્ષ-2025 સુધીમાં ટીબીને સમગ્ર ભારત દેશમાંથી નિર્મૂલન કરવાનું આહવાન કરવામાં આવેલું છે.ભારતમાં દર વર્ષે આશરે 26 લાખ વ્યક્તિઓને ટીબીનો રોગ થતો હોય છે.ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મૂકીને સંક્રમણની કડી તોડવામાં આવે તો ટીબી નિર્મૂલનનો લક્ષ્યાંક સિદ્ધ થઇ શકે.રવિવારે સુરત ખાતે ગુજરાત સ્ટેટ ટીબી એસોસિએશન ,ડીસ્ટ્રીકટ ટીબી એસોસિએશન, એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ સુરત ,સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન .એસોસિએશન ઓફ ચેસ્ટ ફિઝીશ્યન ઓફ સુરત, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને સ્મીમેરના સહયોગથી ગુજ-ટીબી -કોન -2022નું આયોજન કરવામાં આવેલ છે.હાલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અદ્યતન આઇઆરએલ લેબ છે.ત્યાં ટીબીના રોગને લગતી તપાસ વિના મુલ્યે કરવામાં આવે છે.ટીબીના રોગના દર્દીઓને બેડાક્યુલિન,ડેલામિલિડ,પ્રિટોમેનેડ જેવી દવાઓ આ જટિલ રોગમાં આશરે 15 લાખની દવાઓ વિના મુલ્યે આપવામાં આવે છે.

આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ડો.સમીર ગામી,ડો.મુકુર પેટ્રોલવાલા,ડો.મધુકર પરીખ સહિતના વિવિધ તજજ્ઞ તબીબો દ્વારા સમગ્ર ભારતમાં અને સુરત શહેર તથા જિલ્લામાં ટીબીના રોગના દર્દીઓ, તેમને આપવામાં આવતી સારવાર, ટીબી નાબુદી માટેના સરકારના પ્રયાસો સહિત વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી. આ તબક્કે ઉપસ્થિત તમામ તબીબોએ ટીબી નાબુદી માટે લોકોને જાગૃતિ દાખવવા અને જેમને પણ ટીબીના લક્ષણો દેખાય તેમને તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત