
સુરત, 12 જૂન : ” જ્યારથી ભાજપ સરકાર કેન્દ્ર અને ગુજરાતમાં શાસનમાં આવી છે ત્યારથી વિપક્ષના અવાજને દબાવી દેવાની તમામ કોશિષો કરવામાં આવી રહી છે.મોદી સરકારના હાથમાં દેશની વિવિધ સરકારી એજન્સીઓ પોપટ જેવી બની ગઈ છે.સરકાર સામે અવાજ ઉઠાવનારા વિપક્ષના અવાજને ડાબી દેવા માટે સરકાર છાસવારે ઇડી,પોલીસ, સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરી રહી છે.કોંગ્રેસના અગ્રણીઓ કોઈ પણ કાર્યક્રમ માટે મંજૂરી માંગે તો તંત્ર તે આપતું નથી અને જો મંજૂરી આપે તો પણ કાર્યક્રમ શરૂ થાય પૂર્વે જ કોંગી અગ્રણીઓની અટકાયત કરી લેવામાં આવે છે.કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનોને ડર,ભય ઉભો કરીને દબાવવાનો,ડરાવવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.પરંતુ, કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાંગી પડશે તે વિચારવું ભૂલ ભરેલું છે કોંગ્રેસ પક્ષ બમણી તાકાતથી ભાજપની દમનકારી,યુવા વિરોધી, ખેડૂત વિરોધી નીતિઓ સામે વિરોધ કરશે અને અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે સત્યાગ્રહ કરશે.” ઉક્ત આક્રોશ રવિવારે સુરત ખાતે શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવકતા અને સુરત શહેર-જિલ્લા કોંગ્રસના પ્રમુખ નૈષધ દેસાઈએ વ્યક્ત કર્યો હતો.

દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે થાનગઢમાં દલિતો પર અત્યાચાર, એલઆરડી ભરતીમાં વિસંગતતા, ગાંધીનગરમાં યુવાનો પર લાઠીચાર્જ, નવસારીમાં આદિવાસીઓ યુવાનોને બેરહમીપૂર્વક માર મારવા સહિતની વિવિધ ઘટનાઓમાં સરકારની દમનકારી નીતિઓ છતી થઇ રહી છે.1942માં અંગ્રેજો સામેની લડતને વધુ ઉગ્ર બનાવવા માટે શરૂ કરવામાં આવેલા નેશનલ હેરાલ્ડ અખબારના મુદ્દે પણ ખોટી રીતે કોંગ્રેસને હેરાન કરવામાં આવી રહી છે.ઇડી સમક્ષ આવતીકાલે રાહુલ ગાંધી ઉપસ્થિત થવાના છે.ત્યારે,આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને મીડિયા સમક્ષ અમારી વાત મૂકી રહ્યા છીએ.આ દેશમાં વિપક્ષને વિરોધ કરવાનો બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ, વર્તમાન સરકારમાં તેનું હનન થઇ રહ્યું છે.બારડોલીથી આજે પ્રસ્થાન થનારી સરદાર સંકલ્પ યાત્રા શરૂ થાય તે પૂર્વે જ “પાસ ” ના અગ્રણીઓ અલ્પેશ કથીરિયા સહિતનાની અટકાયત કરવામાં આવી છે જે દર્શાવે છે કે આ સરકાર તેની સામેના કોઈ પણ વિરોધને દબાવી દેવા માંગે છે.

આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયાએ પણ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરતા જણવ્યું હતું કે આ સરકાર ખેડૂત વિરોધી છે.કોરોના કાળ દરમિયાન તેઓ અને અન્ય આગેવાનો જયારે રાજકોટમાં પીએમ કેયર્સ ફંડ માટે અનાજ દેવા ગયા ત્યારે, પોલીસે તેમને લીમડાના વૃક્ષ સાથે બાંધીને માર માર્યો હતો.તેઓ ડગ્યા નથી.બમણા જોરથી તેમનો વિરોધ પ્રદર્શિત કરશે.આ વર્તમાન સરકાર તૈયાર વસ્તુઓમાં પોતાનું નામ લગાડી દે છે.સરદાર પટેલ સ્ટેડિયમમાં વર્તમાન પ્રધાનમંત્રીનું નામ એ તેનું ઉદાહરણ છે.વાસ્તવમાં તો પીએમનું નામ જોડવું જ હોય તો નવું સ્ટેડિયમ બનાવીને તેનું નામકરણ તેના પરથી કરવું જોઈએ.આ સરકાર અંગ્રેજોની માફક વિરોધ કરનારાઓને ડાબી દેવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ, કોંગ્રે શાંતિમય રીતે તેનો વિરોધ ચાલુ રાખશે.

આ પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા. શહેર કોંગ્રેસ પ્રવક્તા કિરણ રાયકા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત