
સુરત, 12 જૂન : મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરતના અલથાણ એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સમસ્ત ‘કુકણા કુન્બી જ્ઞાતિપંચ સ્નેહમિલન’ યોજાયું હતું. આ વેળાએ પાણી પુરવઠા, નર્મદા કલ્પસર રાજ્ય મંત્રી જીતુ ચૌધરી સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ એ પ્રગતિની પારાશીશી છે, અને શિક્ષિત વ્યક્તિ પરિવારની પ્રગતિનો પથ કંડારે છે. આજે સમસ્ત કુકણા સમાજની શિક્ષણની સ્થિતિ અગાઉ કરતા ઘણી સુધરી છે. ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજના થકી 54 હજાર બાળકોને સુપોષણ સાથે નવજીવન મળ્યું છે. આજે ગુજરાતમાં 14 લાખ આદિવાસી બાળકોને દરરોજ ‘દૂધ સંજીવની’ યોજનાથી બાળકોને દૂધ મળવાથી કુપોષણને માત આપી રહ્યા છે.

રાજ્યપાલએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન સ્પષ્ટપણે માને છે કે, રાજભવન બેસવા માટે નહીં, પણ સામાન્યજનના કલ્યાણ થાય તે માટે બન્યું છે. સાથે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આદિવાસી ભાષામાં ‘ખાઉલા નાચૂલા’ નહી પણ ખાવલા ભણલા’ ને આત્મસાત કરી આદિવાસીઓ બાંધવોને શિક્ષણને જીવનનું અભિન્ન અંગ બનાવવા નુરોધ કર્યો હતો.

કુકણા સમાજના સુરત શહેર કાર્યકારી પ્રમુખ ડો. મધુભાઈ ગાયકવાડે જીવનમાં શિક્ષણની ભૂમિકા અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વર્ષ 1961માં ૧૧ ટકા હતું, જે વર્તમાન સરકારની હકારાત્મક નીતિઓથી વધીને વર્ષ 2011માં 62 ટકા થઈ ગયું છે. શિક્ષણને માત્ર નોકરી મેળવવાનું નહિ, પરંતુ જીવનના સર્વાંગી વિકાસ માટેનું માધ્યમ સમજવું જોઈએ.

મંગુભાઈ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ સહિતના કોર્સ માટે આપવામાં આવતી લોન, સ્કોલરશીપ, હોસ્ટેલની સગવડ સહિતની સહાયની જાણકારી આપી તેનો વધુમાં વધુ લાભ લેવા તેમજ સ્કીલ ડેવલપમેન્ટ પર વધુ ભાર આપવા જણાવ્યું હતું. સાથે જ સમાજમાં રહેલ દૂષણો, વ્યસનોને ત્યાગી શિક્ષિત, સંગઠિત બનવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, કુકણા સમાજના પ્રમુખ નાનુપટેલ, સમાજ સેવક(ભીમરાડ) બાલુ આહીર સહિત સમાજના અગ્રણીઓ અને સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત