ઓલપાડના મોર ગામે ‘ ગરીબ કલ્યાણ, સેવા, સુશાસન ’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સ્થાનિક
Spread the love

સુરત, 15 જૂન : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા મોર ગામે કેન્દ્ર સરકારના આઠ વર્ષની ઉપલબ્ધિ અંતર્ગત ‘ગરીબ કલ્યાણ, સેવા, સુશાસન’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા કૃષિ અને ઊર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને મળેલા લાભોની વિગતો મેળવી હતી.

મોર ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજીત કાર્યક્રમ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી યોજનાના લાભો આપવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. સમગ્ર રાજ્યમાં ઓલપાડ વિધાનસભામાં સૌથી વધુ લાભાર્થીઓને યોજનાકીય લાભો મળી રહ્યા હોવાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગંગાસ્વરૂપા યોજના હેઠળ ઓલપાડ વિધાનસભામાં 11085 ગંગાસ્વરૂપા બહેનોના ખાતામાં દર મહિને રૂ.1250નું પેન્શન જમા થઈ રહ્યું છે. દર ત્રીજી વ્યક્તિએ એક કુટુંબ આયુષ્માન કાર્ડ ધરાવે છે, જે આ સરકારની ઉપલબ્ધિ છે. વડાપ્રધાનની આગેવાની હેઠળ જનજનની સેવા, કલ્યાણનો ધ્યેય આ સરકારે સેવ્યો છે. ગામમાં કોઈ જરૂરિયાતમંદ લાભાર્થી લાભથી વંચિત હોય તો જાગૃત નાગરિકોએ આવા લાભાર્થીઓને લાભો મળી રહે તે માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, મોર ગામ એ દરિયાકિનારે આવેલું છેવાડાનું ગામ છે. આ ગામને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે 30 કિલોમીટરની પાઇપલાઇન નંખાવીને પાણી પહોચાડયું છે. ઓલપાડ વિધાનસભામાં આરોગ્ય, શિક્ષણ સહિતના અનેકવિધ વિકાસ કામોની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં દેલાસા અને કપાસી ગામને જોડવા માટે રૂ.23 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વીજળીની માંગને પહોંચી વળવા માટે અનેક નવા વીજ સબ-સ્ટેશનોના નિર્માણને મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીઓના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા પક્ષ પ્રમુખ સંદિપ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ. બી.પ્રજાપતિ, મામલતદાર, અગ્રણી શીતલબેન, બ્રિજેશભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *