સુરતમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા આકરા પ્રહાર

સ્થાનિક
Spread the love

સુરત, 15 જૂન : સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા બુધવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમરએ વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં બન્નેમાં ભાજપાની સરકાર હોવા છતાં આજે અસહ્ય મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની ગઈ છે.વર્તમાન કેન્દ્રની સરકાર ફક્ત મોટા મોટા વાયદાઓ અને તાયફાઓ કરીને પ્રજાને છેતરી રહી છે.ગુજરાતમાં છાસવારે પેપરો ફૂટી રહ્યા છે અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ પ્રકારની 20 પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા છે આની પાછળ એક માત્ર કારણ એ છે કે પેપરો ફૂટી ગયા બાદ પરીક્ષાઓ રદ થાય અને ભરતી કરવી જ ન પડે.વર્ષ 2022 એ ચૂંટણીનું વર્ષ છે એટલે હવે સરકાર મોટા પાયે રોજગારી આપવાની વાત કરી રહી છે.વર્ષ 2014થી કેન્દ્રમાં ભાજપની સરકાર છે.એક વર્ષમાં 2 કરોડ નોકરીઓ આપવાની વાત કરનારી સરકાર હવે દોઢ વર્ષમાં ફક્ત 10 લાખ નોકરી આપવાના હવે વાયદાઓ કરી રહી છે.8 વર્ષમાં 2 કરોડ લેખે કેટલી નોકરીઓ સરકારે આપી ? તે એક બહુ મોટો પ્રશ્ન છે.
જેની ઠુમરએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આજે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન કથળી ગઈ છે.રાજ્યના ગૃહરાજ્યમંત્રી સુરતના જ હોવા છતાં સુરતમાં બનતી ક્રાઇમની ઘટનાઓ તેમની નિષ્ફ્ળતા સૂચવે છે.સુરતમાં અને સમગ્ર રાજ્યમાં મહિલાઓ જ નહિ બાળકીઓ પણ અસુરક્ષિત હોવાનું પુરવાર થયું છે.રાજ્યમાં કાર્ય કરતી આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓછા પગારે કામ કરાવવામાં આવે છે અને સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે તેમને લઈ જાય છે. 27 વર્ષથી ચાલતા ભાજપના શાસન વાળા પ્રદેશ ગુજરાત ની મુલાકાતે નીકળી છું સુરતનો ગ્રાઉન્ડ રિપોર્ટ ખૂબ જ નબળો છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ને ક્લીન ચિટ આપ્યા બાદ ED દ્વારા હાલમાં ચાલી રહેલી પૂછપરછ સંદર્ભે ઠુમરએ જણાવ્યું હતું કે આની પાછળ સત્તાનું રાજકારણ છે.તેમની કદાચ ધરપકડ પણ કરવામાં આવે.આ પ્રકારની કાર્યવાહી કરીને વર્તમાન સરકાર કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ તોડવા માંગે છે.પરંતુ, કોંગ્રેસના કાર્યકર્તાઓ આવી કાર્યવાહીથી ડરશે નહીં પરંતુ, તેનો સામનો લોકશાહીના ઢબે કરશે.
ઉપરોક્ત પત્રકાર પરિષદમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમરએ વિવિધ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.પ્રેસ કોન્ફરન્સ બાદ મહિલા કોંગ્રેસની બેઠક આયોજિત કરવામાં આવી હતી.આ પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિયાના મહામંત્રી દર્શન નાયક,શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જલ્પા ભરૃચી,શહેર પ્રવક્તા કિરણ રાયકા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *