સુરતની ભૂમિ પરથી માતૃભૂમિ માટે પ્રાણોની આહૂતિ આપનારા વીર શહીદોને ‘ વીરાંજલિ ‘ અર્પણ કરાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 15 જૂન : રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે સુરતની ભૂમિ પરથી વીરાંજલિ સમિતિ દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારી શહીદોને ‘વીરાંજલિ’ અર્પવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન હોલ ખાતે આયોજિત શહીદોની શહાદતની ગાથાને વર્ણવતા ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શૉ ‘વીરાંજલિ’માં પ્રખ્યાત સાહિત્યકાર સાંઈરામ દવે સહિતના 150 જેટલા કલાકારોએ વતનના વિસરાયેલા વીરોની ઝાંખી રજૂ કરી હતી. ઈ..સ.1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈ શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીના માંચડે ચઢાવ્યા ત્યાં સુધીની ઐતિહાસિક તવારીખને પ્રતિભાશાળી કલાકારોએ તખ્તા પર જીવંત કરી હતી.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના અને સંસ્કારો ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથે વીર ક્રાંતિવીરોની અજાણી અને દિલધડક વાતો વીરાંજલિ કાર્યક્રમમાં માણવા મળે છે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડી જનારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના જીવનચરિત્રને જાણવા અને માણવાનો આ અવસર છે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે વિરાંજલિ કાર્યક્રમો રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રેરણાસ્ત્રોત બનશે. માતૃભૂમિ માટે બલિદાન આપનારા એવા વીર સપૂતોની વંદનાનો આ કાર્યક્રમ સુરતવાસીઓ માટે દેશભક્તિનો લ્હાવો બન્યો છે, ત્યારે નવી પેઢી દેશના શહીદોએ આપેલા બલિદાન અને આઝાદીના સંગ્રામના ભવ્ય ઈતિહાસને ભૂલે નહીં એ જરૂરી છે એમ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રસિદ્ધ ભાગવત કથાકાર જીજ્ઞેશદાદા, ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી અને કાંતિ બલર, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મેયર હેમાલી બોઘાવાલા, શહેર સંગઠન અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, સ્થાયી સિમિત ચેરમેન પરેશ પટેલ, નાટકના દિગ્દર્શક વિરલ રાચ્છ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા સહિત કોર્પોરેટરો અને જાગૃત્ત રાષ્ટ્રવાદી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *