
સુરત, 16 જૂન : સમગ્ર વિશ્વમાં 21મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લાકક્ષાની ઉજવણી કામરેજ તાલુકાના વાવ એસ.આર.પી. કેમ્પ ખાતે કૃષિ અને ઉર્જામંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થશે જેના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગની આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ‘ યોગ ફોર હ્યુમેનિટી, અર્થાત ‘માનવતા માટે યોગા’ ની થીમ પર ઉજવણી કરવામાં આવનાર છે. આ યોગદિનમાં તાલુકાકક્ષાએ, પ્રાથમિક શાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવા સંગઠનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાય તે માટેના પ્રયાસો હાથ ધરવા સૌ કોઈ અધિકારીઓને સુચનાઓ આપી હતી.મિટિંગમાં હાજર વિવિધ અધિકારીઓ તથા યોગ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, યોગ કોચ, યોગ કો-ઓર્ડિનેટર વગેરેની ભૂમિકા સહિતની બાબતો અંગે વિગતવાર ચર્ચા ધરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવી, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસર, રમત ગમત અધિકારી, પ્રાંત અધિકારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યોગ સાથે સંકળાયેલ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત