
સુરત,16 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીની આગેવાનીમાં 25 જેટલા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોએ યુએસએમાં ન્યુયોર્ક સિટીની મેયર ઓફિસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ન્યુયોર્ક સિટીના મેયર મીસ્ટર એરીક એડમ્સ, તેમના મુખ્ય સલાહકાર ડો. ઇનગ્રીડ લેવીસ તથા મેયર ઓફિસના ડેપ્યુટી કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ – ઇનોવેશન દિલીપ ચૌહાણ તથા મેયર ઓફિસના ઇન્ટરનેશનલ અફેર્સના ઇન્ચાર્જ મીસ્ટર ફ્રેન્ક કેરોન તથા કમિશનર ઓફ એસબીએસ, ન્યુ યોર્ક સિટી મીસ્ટર કેવીન સાથે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી.
ન્યુયોર્ક સિટીના મેયરના મુખ્ય સલાહકાર ડો. ઇનગ્રીડ લેવીસે સુરતથી આવેલા પ્રતિનિધી મંડળને આવકારી જણાવ્યું હતું કે, તેઓની ઓફિસ દ્વારા સુરતથી આવેલા તમામ ઉદ્યોગકારોને યુએસએમાં બિઝનેસ કરવા માટે તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.
ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે જણાવ્યું હતું કે, ન્યુ યોર્ક સિટીના મેયર આ શહેરમાં નાના – મોટા કોઈપણ પ્રકારનો ધંધો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને જે કઇપણ અડચણો આવતી હોય તેને દુર કરવા પ્રતિબદ્ધ છે. મેયરની ઓફિસમાં જે ઇન્ટરનેશનલ અફેર્સ ડિવીઝન છે તે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી અને મેયર ઓફિસની વચ્ચે સંકલન સાધે છે. આ ડિવીઝન દ્વારા 70 ટ્રેડ કમિશન, 116 કોન્સ્યુલેટ અને 193 પરમનન્ટ મીશન્સ સાથે સંકલન સાધી વૈશ્વિક વેપારમાં વૃદ્ધિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે. ન્યુ યોર્ક શહેરનું સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમ 147 બિલિયન યુએસ ડોલર જેટલી છે અને 150થી વધુ દેશોના લોકો ન્યુ યોર્ક શહેરમાં રહે છે.
ન્યુયોર્કના મેયરે ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીને ભવિષ્યમાં પણ યુએસએ ખાતે એકઝીબીશનો કરવા માટે આગ્રહ કર્યો હતો. આ અંગે આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત અને ન્યુયોર્કની વચ્ચે સિસ્ટર સિટી એગ્રીમેન્ટ થાય ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે મહત્વની કામગીરી કરી શકાશે. તદુપરાંત તેમણે ન્યુ યોર્ક સિટીના મેયર તથા તેમની ટીમને સુરતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી તેમજ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
ન્યુયોર્ક શહેરના મેયર દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધી મંડળને વિવિધ વિષયો જેવા કે સ્ટુડન્ટ એકસચેન્જ પ્રોગ્રામ, કોલોબ્રેશન ઇન સ્ટાર્ટ–અપ, ફેશન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી– ન્યુ યોર્ક સાથેનો સહકાર તથા અન્ય કોઇપણ મુદ્દે વિડિયો કોન્ફરન્સ કરવી હોય ત્યારે તેમના દ્વારા ચેમ્બરને સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત