
સુરત, 16 જૂન : કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્રપ્રસાદ સિંહે આજરોજ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના નિર્માણને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રીને ડાયમંડ બુર્સના ડિરેકટર મથુર સવાણીએ ડાયમંડ બુર્સની વિશેષતાઓની જાણકારી આપી બુર્સ તૈયાર થવાથી સુરતને હિરાના વૈશ્વિક બજારથી થનારા ફાયદાઓની વિગતો આપી હતી. તેમણે ડાયમંડ સિટી બુર્સમાં વપરાયેલા 55,000 મેટ્રિક ટન સ્ટીલની ખરીદી અને તેના વપરાશની જાણકારી મેળવી હતી. ઉપરાંત તેમણે ડાયમંડ બુર્સના બાંધકામ અને પ્રોજેક્ટ આધારિત વિડીઓ ફિલ્મ પણ નિહાળી હતી. તેમણે દેશમાં થતી હીરાની આયાત અને નિકાસ વિશે જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત મંત્રીએ ઈચ્છાપોર સ્થિત શ્રી હરેકૃષ્ણ ડાયમંડ કંપનીની મુલાકાત લીધી હતી. જયારે કતારગામ ખાતે આવેલી શ્રી રામકૃષ્ણ ડાયમંડ કંપનીની મુલાકાત વેળાએ કંપનીના માલિક ગોવિંદ ધોળકીયાએ હિરાના મેન્યુફેકરીંગ, પોલીસીંગ સહિતની વિગતો મંત્રીને આપી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત