
સુરત, 16 જૂન : કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્રપ્રસાદ સિંહએ આજ રોજ અઠવા વિસ્તારમાં આવેલી મેરિયટ હોટલ ખાતે ગૌણ સ્ટીલ ઉત્પાદકો અને ઉપભોક્તા સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે સ્ટીલ ઉદ્યોગક્ષેત્રે આવતા પડકારો-મુશ્કેલીઓ વિશે ચર્ચા કરીને પડકારો ઝીલીને પ્રગતિના પથ પર અગ્રેસર બનાવાની હિમાયત કરી હતી. મંત્રીએ સુરત શહેરની હરિયાળી, સ્વચ્છતા અને અહીંના ઉદ્યોગોની પ્રગતિથી પ્રભાવિત થયા હોવાનું કહ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય સ્ટીલ મંત્રીએ ગૌણ સ્ટીલ ઉપભોક્તાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા માત્ર સ્ટીલનું ઉત્પાદન વધારવાની સાથે પર્યાવરણની સુરક્ષા પણ જળવાય તે જરૂરી છે. હાલ દેશમાં 14 પી.આઈ.એલ. સ્કીમો કાર્યરત છે જેના થકી આપણે આત્મનિર્ભર બનવાના સ્વપ્નને સાકારિત કરી રહ્યા છીએ. કોરોનાકાળમાં પણ 120 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ 2030 સુધી 295 મિલિયન ટન અને વર્ષ 2047 સુધીમાં 500 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે સ્ટીલ ઉપભોક્તાઓને સ્ટીલ ક્ષેત્રમાં વધુને વધુ રોકાણ કરી રોજગારીનું સર્જન કરવાનો અનુરોધ કર્યો હતો. સ્ટીલ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ ઉપભોક્તાઓના હિત તથા ઉત્પાદન વધારવા માટે સરકાર નવી પોલિસી લાવવાની વિચારણા કરી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે સ્ટીલ મંત્રાલયના અધિક સચિવ રશીકા ચોબેએ જણાવ્યું હતું કે, સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતનું સૌથી મોટું યોગદાન છે. હાલ ગુજરાતમાં 211 સ્ટીલ યુનિટો કાર્યરત છે. તેમણે ગૌણ ઉત્પાદકોને સ્ટીલનું ઉત્પાદન વધારવા, ટુલ કીટ અને ટેસ્ટીંગ પદ્ધતિ સંબંધિત અભિપ્રાયો આપવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત SGCCI ના અધ્યક્ષ હિમાંશુ બોડાવાલાએ કહ્યું હતું કે, પ્રાચીન સમયથી ભારતમાં સ્ટીલ ઉદ્યોગનું વિશેષ મહત્વ રહ્યું છે. સ્ટીલ ઉત્પાદન કરવામાં ભારત આત્મનિર્ભરની દિશામાં અગ્રેસર છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના સંયુક્ત ઔધોગિક કમિશનર એન.એસ. શ્રીમાલી, SGCCI ઉપાધ્યક્ષ રમેશ વઘાસીયા, સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડીયા લિમિટેડનાકાર્યકારી અધ્યક્ષ એમ.સી.અગ્રવાલ અને ગૌણ ઉત્પાદકના ઉપભોક્તાઓ હાજર રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત