
સુરત : સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે અને મદદનીશ નિયામક(રોજગાર) કચેરી-સુરત અને ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 16 થી 18 જૂન દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘ મેગા જોબ ફેર-2022 ’માં આજ રોજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જોબ ફેરમાં વર્ચ્યુઅલી જોડાઈને વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ કારકિર્દીની શુભેચ્છા આપી હતી. મેળામાં વર્કશોપ અને ઓનલાઇન-ઓફ્લાઈન ઇન્ટરવ્યુ યોજાયા હતા. ત્રણ દિવસમાં કુલ 4992 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી થશે.

આ વેળાએ ધો.12થી લઈને સ્નાતક, અનુસ્નાતક જેવી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમદવારોએ ભાગ લીધો હતો, આઈ.ટી/કોમ્પ્યુટર, નોન ટેકનિકલ ક્ષેત્ર, શિક્ષણ, ફાઈનાન્સ-બેન્કિંગ સહિતના ક્ષેત્રની કુલ 202 કંપનીઓ ઉમેદવારોના ઓનલાઈન-ઓફલાઈન ઈન્ટરવ્યુ યોજી રહી છે. જોબ ફેરમાં વાર્ષિક 15 લાખ સુધીના વેતન પેકેજ ઉપલબ્ધ છે. ‘ઓપન ફોર ઓલ’ ભરતી મેળામાં 4523 ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, ‘સત્યમેવ જયતે’ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ વડાપ્રધાનએ દેશને ‘શ્રમેવ જયતે’નું સૂત્ર આપ્યું છે. એટલે જ શ્રમ એ માનવીનું ઘરેણું છે. રાજ્યમાં 500થી વધુ ITI કેન્દ્રો દ્વારા વિવિધ કોર્ષની તાલીમ આપીને યુવાઓને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સર્જનાત્મક ક્ષેત્રમાં સંશોધન કરવામાં જગવિખ્યાત છે, એટલે જ ગુજરાતની આઈ.ટી.આઈ.માં ડ્રોન ટેક્નોલોજીનો નવો કોર્ષ શરૂ થઈ રહ્યો છે. ગુજરાતના યુવાનો કુશળ અને તાલીમબદ્ધ બને એ માટે ‘સ્કીલ યુનિવર્સિટી’ની આવશ્યકતાને ધ્યાને લઈ ‘કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટી’ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે એમ તેમણે હર્ષ સાથે જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જોબ ફેરને વર્ચ્યુઅલી સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતમાં રોજગાર અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. ભારત સરકારના નવા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટસ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઉભી થઈ રહી છે, અને દેશમાં રોજગારીની તકો વધારવા અનેકવિધ કાર્યક્રમ યોજીને આઈટી, કૃષિ, ટેકનોલોજી, એન્જીનિયરિંગ, ટ્રાન્સપોર્ટ, મેડિકલ સહિત વિવિધ ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે નાયબ નિયામકશ્રી (રોજગાર) મુકેશ વસાવા, રોજગાર અધિકારી પારૂલ પટેલ, બિપીન માંગુકિયા, મહાવીર સિન્થેટિક પ્રા.લિ.ના મેને.ડાયરેકટર વત્સલ નાયક, નેશનલ કરિયર સર્વિસ સેન્ટર SC/ST ના ડો.અમનદીપ સિંઘ, અગ્રણી રમેશ વઘાસિયા, મહાવીર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, ટ્રસ્ટીઓ, અધ્યાપકો, કંપનીના પ્રતિનિધિઓ તથા રોજગારઈચ્છુક યુવા ઉમેદવારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત