
સુરત, 20 જૂન : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, 19 જૂન 2022ના રોજ યુએસએના લોસ એન્જલસ ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટના ઉદઘાટન સમારોહ પ્રસંગે સ્થાનિક ઉદ્યોગકારો મેહુલ આહીર, નરેશ સોલંકી, રજની કાકડીયા, નટવર ઠક્કર, સુહાની પટેલ અને શીતલદેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, લોસ એન્જલસ ખાતે સનાતન ધર્મ હોલમાં રવિવારે સવારે 10:30 કલાકે બાયર સેલર મીટનું ઉદઘાટન થયું હતું. ફાધર્સ ડે હોવા છતાં આ બીટુસી બાયર – સેલર મીટમાં સુરતના ઉદ્યોગકારોને સ્થાનિક બાયર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. દિવસ દરમ્યાન 530 જેટલા બાયર્સે મુલાકાત લીધી હતી. મીટ સાંજે 7 કલાક સુધી ચાલવાની હતી, પરંતુ સ્ટોક પૂર્ણ થઈ જવાને કારણે સાંજે 5 કલાકે જ મીટનું સમાપન કરવામાં આવ્યું હતું. તેમ છતાં એકઝીબીટર્સને બીટુસીમાં આશરે 85 હજાર યુએસ ડોલરનો બિઝનેસ મળ્યો હતો તથા અન્ય ઓર્ડર અને ઇન્કવાયરી પણ જનરેટ થઈ હતી.એશિયન હોટલ એસોસીએશનના રીજીયોનલ હેડ પણ આજની મીટની મુલાકાતે આવ્યા હતાં અને તેમણે પણ હોમ ફર્નીશિંગમાં ઘણો રસ દાખવ્યો હતો. તદુપરાંત લોસ એન્જલસ ખાતે પાયોનીયર વિસ્તારમાં ઇન્ડિયન વેર અને ઇન્ડિયન એથનિક વેરની ઘણી દુકાનો આવેલી છે. આ વેપારીઓએ પણ મુલાકાત લઈ સુરતના ઉદ્યોગકારો સાથે કાર્ડ એક્સચેન્જ કર્યા હતા. આથી સુરતના ટેકસટાઇલ ઉત્પાદકો માટે બીટુબીનો ઘણો સ્કોપ ખૂલી ગયો છે.ચેમ્બર દ્વારા યુએસએના એટલાન્ટા શહેરમાં ત્રણ દિવસ માટે યોજાયેલા ” ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર 2022 ” એક્ઝીબિશનમાં તથા ન્યુ જર્સી અને લોસ એન્જલસ ખાતે યોજાયેલી વન ટુ વન બાયર – સેલર મીટમાં સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોનો યુએસએના મોટા ખરીદદારો સાથે સીધો સંપર્ક થયો છે. આથી ભવિષ્યમાં પણ તેઓને મોટો બિઝનેસ મળવાની સંભાવના છે. કારણ કે, યુએસએ સમગ્ર વિશ્વમાં કાપડનો સૌથી મોટો ઉપભોક્તા છે. સાથે જ ટેકસટાઇલ આર્ટિકલનો સૌથી મોટો આયાતકાર પણ છે.

GTTF એકઝીબીશનના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, આજની બાયર – સેલર મીટમાં વોશિંગ્ટનથી પણ બાયર્સ મુલાકાતે આવ્યા હતાં. જેમાં મહિલા બાયર નાતાલીને સુરતની ટેકસટાઇલ પ્રોડક્ટ ખાસ કરીને ફેબ્રિક અને તેમાં પણ જુદી જુદી સ્ટાઈલ ઘણી પસંદ પડી હતી. નાતાલી સહિતના ખરીદદારોએ ચેમ્બર દ્વારા યુએસએ ખાતે યોજાયેલા એકઝીબીશનની ઘણી પ્રશંસા કરી હતી.લોસ એન્જલસમાં જન્મેલા ભારતીય મુળના વિદ્યાર્થીઓ પણ મીટની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ સાડી, ડ્રેસ મટીરિયલ અને વિવિધ ફેબ્રિક જોયું હતું તથા ભારતીય સંસ્કૃતિમાં સાડી અને ડ્રેસ મટીરિયલનું શું મહત્વ હોય છે તે પણ સમજ્યું હતું. આજની મીટની પૂર્ણતાને સાથે જ ચેમ્બર દ્વારા યુએસએ ખાતે યોજાયેલા એકઝીબીશનનું સમાપન થયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત