
સુરત,19 જૂન : વર્તમાન સમયમાં દરેક જ્ઞાતિ પોતાના સમાજને સંગઠિત બનાવવાનો પ્રયાસ કરતી હોય છે.ત્યારે,સુરત શહેરમાં રાજ્યના વિવિધ ક્ષેત્રમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવીને વસેલા શ્રી મોઢ ચાતુર્વેદી ( ખી.સ.) બ્રાહ્મણ જ્ઞાતિના જ્ઞાતિજનોનું પણ એક સુંદર સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે.

પ્રતિ વર્ષ સમાજના જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સમારોહ અને સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.વર્ષોથી ચાલતી આ પરંપરામાં ગત બે વર્ષોમાં કોરોનાકાળનું ગ્રહણ નડ્યું હતું.સમગ્ર દેશમાં કોરોના મહદ અંશે અંકુશમાં આવ્યો છે.ત્યારે, આ વર્ષે 19મી જૂન રવિવારના રોજ બપોરના 3 વાગ્યાથી વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં જ્ઞાતિ મંડળ દ્વારા 14મો સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.જ્ઞાતિજનોની વિશાળ ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા શ્રી મોઢ ચાતુર્વેદી ( ખી.સ.) બ્રાહ્મણ જ્ઞાતિના 250થી વધુ પરિવારોના સભ્યો આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને એકતા અને સંપનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ સમારોહમાં સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજના પ્રમુખ ધીરેનભાઈ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજની બે દીકરીઓ કે જેમણે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરીને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે તેમને જ્ઞાતિ મંડળ દ્વારા “ટ્રોફી ” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્ઞાતિ મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં ઉતીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમારોહ દરમિયાન દીકરીઓ દ્વારા વિવિધ પ્રકારના સુંદર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતમાં આયોજિત સુરુચિપૂર્ણ ભોજનનો સૌ જ્ઞાતિજનોએ લાભ લીધો હતો.આ સમગ્ર સમારોહને સફળ બનાવવા જ્ઞાતિ મંડળના પ્રમુખ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ કિરીટભાઈ ત્રિવેદી, મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી અને સમસ્ત કારોબારીના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.સમગ્ર સમારોહનું સંચાલન અશોભાઈ પંડયા અને મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું.સમારોહ દરમિયાન ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું જ્ઞાતિ મંડળ દ્વારા સનમાન કરવામાં આવ્યું હતું.આ તબક્કે તમામ અગ્રણીઓએ જ્ઞાતિ મંડળને આવનારા સમયમાં વધુ સંગઠિત બનાવવા સૌ જ્ઞાતિજનોને હાકલ કરી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત