
સુરત, 4 જુલાઈ : જનસુખાકારી માટે સતત પ્રયત્નશીલ સરકાર મહિલાઓના વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખાસ કરીને આર્થિક રીતે સદ્ધર થવાની મર્યાદિત તકો હોય એવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓના સશક્તિકરણ માટે, તેમને આર્થિક રીતે ઉન્નત કરવા રાજ્ય સરકારના હરહંમેશ તત્પર રહી છે. જેનું ઉદાહરણ સુરતના ઓલપાડ તાલુકામાં જોવા મળ્યું. સુરત જિલ્લા પંચાયત દ્વારા નાના ઉદ્યોગોને લગતી યોજના હેઠળ સ્વભંડોળમાંથી તાલુકાની 20 મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા નિ:શુલ્ક સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું. સાથે જ તેઓને એક વર્ષની નિ:શુલ્ક ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં દર મહિને તેમની નિયમિતતા જળવાઈ રહે એ ઉદ્દેશથી માસિક રૂ.140નું સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું. ટ્રેનિંગમાં તેમને કાપડની થેલીથી લઈને બ્લાઉઝ, ડ્રેસ, ઇજાર, પેટિકોટ, શર્ટ, હાફ પેન્ટ, યુનિફોર્મના ટોપ અને ટોપી સીવવાની તાલીમ આપવામાં આવી હતી.
ઓલપાડ તાલુકાના લવાછા ગામે રહેતા 28 વર્ષીય જાગૃતિ પટેલ આવા જ એક લાભાર્થી છે. 2 દીકરીઓની માતા જાગૃતિબેનનું આત્મનિર્ભર થઈ પરિવારને મદદરૂપ થવાનું સપનું આખરે સરકારે સાકાર કર્યું. તેઓ કહે છે કે, ‘અત્યાર સુધી માત્ર ખેતમજૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પિયતની સમસ્યાના કારણે ખેતીનું કામ અમુક ચોક્કસ ઋતુમાં જ કરી શકાતુ હોવાથી વર્ષના ઘણા મહિનાઓ ફાઝલ બેસી રહેવુ પડતુ હતું, પરંતુ હવે પરિવારને પગભર બનાવવા માટેનો આર્થિક આધાર મળ્યો છે. નિ:શુલ્ક સિલાઈ મશીન અને યોગ્ય તાલીમ મળવાથી હવે ઘરગથ્થું સિવણકામ કરીને આર્થિક ઉપાર્જન કરી રહી છું. ઘરબેઠા કામ મળી રહેતું હોવાથી પરિવારજનો અને બાળકોનું પણ ધ્યાન રાખી શકું છું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત