
સુરત, 5 જુલાઈ : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશપટેલે ઓલપાડ તાલુકાના માસમા ગામથી સુરત જિલ્લાની ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. માસમાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વૃક્ષોના જતનના સંદેશ સાથે મહેમાનોનું ઔષધીય છોડ આપી સ્વાગત કરાયું હતું. તેમજ દરેક મહેમાનોએ વૃક્ષના છોડનો સ્વીકાર કરી વૃક્ષના જતન માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે કૃષિરાજ્યમંત્રી પટેલે લાભાર્થી ભાઈઓ-બહેનો સાથે સંવાદ સાધતા રાજ્ય-કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિ, PM આવાસ, પ્રધાનમંત્રી માતૃશક્તિ, મા અમૃત કાર્ડ, વ્હાલી દિકરી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના, પાક સ્વરક્ષણ તથા સ્માર્ટ ફોન સહાય જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે, છેવાડાના ગ્રામ્ય વિસ્તારના એક એક નાગરિકો આર્થિક રીતે સશક્ત બને, યોજનાકીય લાભો મેળવે તેવો રાજ્ય સરકારનો નિરંતર પ્રયાસ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકના સંરક્ષણની ચિંતા કરીને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરીને તેના લાભ ખેડુતો સુધી પહોંચાડ્યા છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી સરકારની વિકાસલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચશે, તેમજ વંદે ગુજરાત વિકાસ રથ ગામડે ગામડે ફરી ગ્રામજનોને સરકારની યોજનાઓથી અવગત કરાવી લાભાન્વિત કરશે એમ જણાવી લાભાર્થીઓને પગભર અને આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું હતું, અને તેમની ઉન્નતિના ધ્યેય સાથે સરકારના સાથ અને સહકારની કટિબદ્ધતા દર્શાવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પરમારે રાજ્ય સરકારે છેલ્લા 20 વર્ષ દરમિયાન વિકાસના નિત નવા સોપાનો સર કર્યા છે. ગુજરાતે સાધેલા અપ્રતિમ વિકાસની વાતને જનજન સુધી પહોચાડવામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ એક માધ્યમ બનશે એવું ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતની વિકાસકીય સિદ્ધિઓને જનજન સુધી પહોચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથો તા.5 થી 19 જુલાઈ દરમિયાન ગામેગામ પરિભ્રમણ કરશે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ બે રથો ગામડે-ગામડે પરિભ્રમણ કરીને સુરત જિલ્લા સહિત રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસની ઝાંખી કરાવશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરઆયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતા પટેલ સહિત જિલ્લા-તાલુકા પંચાયત અને પદાધિકારીઓ-અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત