
સુરત, 5 જુલાઈ : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી વિકાસની હરણફાળને જનજન સુધી પહોચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો શુભારંભ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયા હસ્તે શહેરના રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતેથી કરવામાં આવ્યો હતો.

આ અવસરે મંત્રી મોરડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ છેલ્લા 20 વર્ષમાં વિકાસના નૂતન સોપના સર કર્યા છે. રાજયમાં 95 ટકા વિસ્તારોમાં નલ સે જલ યોજનાનું કાર્ય પુર્ણ કરવામાં આવ્યું છે. સુરત શહેર આજે ડાયમંડ સીટી અને ટેક્ષટાઈલ સીટીથી ઉપર ઉઠીને બ્રિજ સીટી, સ્વચ્છ સીટી અને સ્માર્ટ સીટી જેવા નામોથી ઓળખાતી થઈ છે. ગુજરાત રાજય સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથકી વિશ્વભરમાં નામના મેળવે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.

આ પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજય સહિત સુરત શહેરે બે દાયકામાં અનેકક્ષેત્રે વિકાસના નવા સોપાનો સર કર્યા છે. દેશમાં સૌથી મોટો બી.આર.ટી.એસ. કોરીડોર સુરતમાં છે. ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને આવક મેળવાનું શહેર પણ સુરત જ છે. આવનારા સમયમાં સુરત શહેર વિકાસની દિશામાં અવ્વલ રીતે આગળ વધતુ રહે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, બે દાયકાના વિકાસને જન જન સુધી પહોચે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરની વિકાસ ગાથા વર્ણવતા કહ્યું કે, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આવાસો આપવાનુ કાર્ય આ સરકારે કર્યું છે. શાંતિ અને સુરક્ષાના કારણે ગુજરાત સમગ્ર ભારતમાં રોલ મોડલ બન્યું હોવાનું તેમણે કહ્યું હતું.

આ અવસરે સ્થાયી સમિતિના ચેરમેન પરેશપટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે અનેકક્ષેત્રે વિકાસની સિધ્ધિઓ હાંસલ કરી છે. વીજળી, પાણી, આરોગ્ય, ખેતી સહિતના અનેકક્ષેત્રે વિકાસના નવા સોપાનો સર કર્યા હોવાની વિગતો તેમણે આપી હતી.

આ અવસરે મંત્રીના હસ્તે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર 13 માં રૂ.10.30 લાખના વિવિધ રસ્તાના કામોની તકતીઓનુ ડિઝીટલ અનાવરણ સંપન્ન થયું હતું.આ પ્રસંગે રાજ્યના 20 વર્ષના વિકાસની ગોરવગાથાને વર્ણવતી વિવિધ ફિલ્મો સૌએ નિહાળી હતી. આ અવસરે મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી માતૃવંદના, આયુષ્યમાન યોજના, મુખ્યમંત્રી માતૃશકિત યોજના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.

આ વિકાસરથો તા.19 જુલાઈ સુધી સમગ્ર સુરત શહેરના ઝોન વિસ્તારોમાં ‘વંદે ગુજરાત વિકાસ રથ’ પરિભ્રમણ કરીને છેલ્લા 20 વર્ષમાં રાજયમાં થયેલા વિકાસની ઝાંખી કરાવશે. જેમાં સવારે 9:30 થી 11:30 તથા સાંજે 4 થી 6:30 દરમિયાન એમ રોજ બે કાર્યક્રમો યોજાશે. સાથોસાથ 15 દિવસ દરમિયાન 141 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું લાભાર્થીઓને વિતરણ, પ્રભાતફેરી, યોગ નિદર્શન કાર્યક્રમો, કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોના સુપોષણ અને વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર-નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃત્તિના કાર્યક્રમો યોજાશે.

આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા, કાંતિ બલર, અવરવિંદરાણા, પ્રવીણ ઘોઘારી, ડે. મેયર દિનેશ જોધાણી, SMC કમિશનર બંછાનિધિ પાની, સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, પાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો, લાભાર્થીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત
V.good
Thanks