
સુરત, 6 જુલાઈ : આર્મી નેવી/એરફોર્સમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવતા યુવાઓ માટે મદદનીશ નિયામક(રોજગાર) કચેરી દ્વારા આજરોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

બહુમાળી ભવન રોજગાર કચેરી ખાતે આયોજીત સેમિનારમાં મુંબઈના ભારતીય વાયુસેનાના 6 એરમેન સિલેકશન સેન્ટર દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. મુંબઇ એરમેન સિલેકશન સેન્ટરના પ્રતિનિધિ કોર્પોરલ હરિદેશ કુમાર દ્વારા અગ્નિપથ યોજના- એરફોર્સમાં આવેલા અગ્નિવીર વાયુના પદ માટેની લાયકાત, પરીક્ષા પધ્ધતિ, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, મળનાર અન્ય લાભો તેમજ એરફોર્સમાં ઉપરી પદો માટેની યોગ્યતા અને તેની તૈયારી અને તકો અંગે વિગતો આપી હતી.

આ પ્રસંગે નાયબ નિયામક (રોજગાર) કચેરીના રિજીયનલ વડા મુકેશ વસાવાએ સુરત જિલ્લામાં વધુમાં વધુ યુવાનો ભારતીય સેનામાં જોડાઇ એવો અનુરોધ કર્યો હતો. તેમજ અભ્યાસની સાથે સાથે સારી નોકરી ઉપરાંત દેશભક્તિનું ગૌરોવ અને રાષ્ટ્રસેવાની સાથે સાથે રોજગારની સર્વોત્તમ તક મેળવવાનો અવસર એટલે અગ્નિવીર યોજના માટે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી/એસ.ટીના ડો.અમનદીપ સિંઘ, મદદનીશ નિયામક (રોજગાર) કચેરીના બિપિન માંગુકિયા તથા વાયુસેનામાં જોડવા ઈચ્છુક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત