માંડવી તાલુકાના સઠવાવ ખાતે પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેતા પાણી પુરવઠા રાજ્ય મંત્રી ચૌધરી

Uncategorized
Spread the love

સુરત, 6 જુલાઈ : પાણી પુરવઠા, કલ્પસર અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી જીતુ ચૌધરીએ માંડવી તાલુકાના સઠવાવ ગામે માંગરોળ માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો અને તરસાડી નગરપાલિકા માટેની નવીન પ્રગતિ હેઠળની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજના સ્થળની, માંડવી ખાતે હયાત કાકરાપાર જુથ પાણી પુરવઠા યોજનાના 42.5 એમ.એલ.ડી. ક્ષમતાના સઠવાવ ફીલ્ટર પ્લાન્ટની તેમજ સુરત બલ્ક યોજનાના કાકરાપાર ડેમ નજીક વાકલા ગામે પ્રગતિ હેઠળના ઇન્ટેક વેલની કામગીરીની મુલાકાત લઇ કામગીરીનો તાગ મેળવ્યો હતો. તેમજ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું જાત નિરીક્ષણ પણ કર્યુ હતું.

આ પ્રસંગે પાણી પુરવઠા રાજ્ય મંત્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, ઇન્ટેક વાલ્વ દ્વારા તાપી નદીનું પાણી ફિલ્ટર કરી, માંડવી અને ઉમરપાડાના 157 ગામોમાં બાંધવામાં આવેલા જળભૂગર્ભ ટાંકામાં પીવાનું પાણી પુરૂ પાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જનતાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સહિયારા પુરૂષાર્થથી રાજ્યને જળસમૃદ્ધ બનાવ્યુ છે. 24 કલાક વીજળીની ઉપલબ્ધિથી ગામડાઓ સમૃદ્ધ થયાં હોવાનું પણ મંત્રીએ જણાવી દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી બાંધવો માટે પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક વ્યવસ્થાઓને સુદ્રઢ બનાવવા સરકાર પ્રયત્નશીલ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.

મંત્રીએ વિવિધ પાણીપુરવઠા યોજનાની વિવિધ કામગીરીની મુલાકાત લઇ સમગ્રલક્ષી કાર્યપદ્ધતિની માહિતી મેળવી હતી.અને પાણી યોજનાના કામો સમયમર્યાદામાં થાય તે માટે ખાસ તાકીદ કરી હતી. આ પ્રસંગે સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર એસ.એન.વાઘેલા, કાર્યપાલક ઇજનેર આર.જી.ચૌધરી, યુનિટ મેનેજર અંકિત ગરાસિયા, ડેપ્યુટી એન્જિનિયર જતિન પટેલ, જય ચૌધરી અને દિપ્તિ.કે.વસાવા ઉપસ્થિતિ રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *