
સુરત, 6 જુલાઈ : છેલ્લા બે દાયકામાં ગુજરાતની વિકાસકીય સિદ્ધિઓને જનજન સુધી પહોચાડવા માટે આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત ઓલપાડ અને મહુવા તાલુકાના ગામોમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકાના છીની, ધનશેરા, પિંજરત, કુદીયાણા તેમજ મહુવા તાલુકાના તરસાડી, કરચેલીયા, બારતાડ ગામમાં ‘વંદે ગુજરાત વિકાસ રથે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિકાસલક્ષી યોજનાની જાણકારી અર્થે રથે પરિભ્રમણ કર્યું હતું. આ પ્રસંગે લાભાર્થીઓને સહાય અને ટુલકીટ્સ અર્પણ કરાઈ હતી. જેમાં ધારાસભ્ય મોહન ઢોડીયાના હસ્તે કૃષિ સહાય કીટ, પોષણ કીટ, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ઢોડીયાએ જણાવ્યું હતું કે, વીસ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા આજે વટવૃક્ષ બની ફુલી ફાલી રહી છે. જેને વર્તમાન સરકાર તેજ ગતિથી આગળ વધારી રહી છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં કરવામાં આવેલા વિકાસકાર્યોની વિગત આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, અનેકવિધ યોજનાઓનો લાભ લઈને સર્વાંગી વિકાસનો નવો અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો, અધિકારીઓ, ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત