સુરત : વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં દેશની આર્થિક સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ

સ્થાનિક
Spread the love

સુરત, 10 જુલાઈ : સુરતના આંગણે આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આ જ રીતે સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે કે, ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી, પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે. પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે એમ જણાવી પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા, તેની ઉત્પાદકતા અને રક્ષણ માટે નિમિત્ત બનવા આહવાન કર્યું હતું

તેમણે એમ પણ કહ્યું કે, આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે. ‘સૌના સાથ અને સૌના વિકાસ’ની ભાવના સાથે આઝાદીના અમૃત્ત કાળમાં દેશની ગતિ-પ્રગતિનો આધાર ‘સૌના પ્રયાસની ભાવના’ છે, જે દેશની વિકાસયાત્રાનું નેતૃત્વ કરી રહી છે એમ વડાપ્રધાનએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.સુરત જિલ્લા વહીવટીતંત્રએ સુવ્યવસ્થિત આયોજન કરીને પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલમોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના 693 ગામોની 556 ગ્રામ પંચાયતોમાંથી કુલ 41,700 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિષમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે એવો વિશ્વાસ વડાપ્રધાનએ વ્યક્ત કર્યો હતો .સુરતના જાગૃત પ્રશાસકો, જન પ્રતિનિધિઓએ ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે સમિતિઓનું ગઠન કરી રૂટ લેવલ પર માઈક્રો પ્લાનિંગ કર્યું, કૃષિ નિષ્ણાતો અને ટ્રેનરોના અવિરત માર્ગદર્શન, તાલીમ અને શ્રેણીબદ્ધ વર્કશોપ યોજી ગામડાઓ ખૂંદયા, જેનું પરિણામ સૌની સામે છે, અને સુરતે એ સાબિત કર્યું કે, લક્ષ્ય પ્રાપ્તિ માટે દ્રઢ ઈચ્છા શક્તિ વડે સંકલ્પ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે એમ જણાવી સુરતના તંત્રવાહકોને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

માનવજીવન અને આરોગ્ય, સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત હોવાનું જણાવતાં વડાપ્રધાનએ ઉમેર્યું કે, ભારત હંમેશાથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારો ખેડુત ધરતીમાતાની સેવા કરી રહ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન થશે. પ્રાકૃતિક ખેતી એ ખુશાલીની સાથે સર્વે ભવન્તુ સુખીનઃની ભાવનાને પણ સાકારિત કરે છે. આજે સમગ્ર વિશ્વમાં શુધ્ધ ખાનપાન વિશે ચર્ચાઓ થાય છે ત્યારે ભારત સદીઓથી તેનું નેતૃત્વ કરી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં પણ પરંપરાગત પ્રાકૃતિ આધારિત કૃષિનો અનેરો મહિમા વર્ણવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિશ્વમાં કેમિકલ ફ્રી કૃષિ ઉત્પાદનોની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, દેશમાં વધુ ને વધુ કિસાનો પ્રાકૃતિક ખેતી પ્રતિ જાગૃત બને એ માટે છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આ સંદર્ભે ગુજરાતના રાજ્યપાલની સરાહના કરતા કહ્યું કે, આચાર્ય દેવવ્રતજીએ જાતે પ્રાકૃતિક ખેતી કરી તેના અદ્દભુત પરિણામોને સામાન્ય કિસાનો સુધી પહોંચાડ્યા. રાજ્ય સરકારના સહયોગ અને રાજ્યપાલના ઉમદા પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ગામેગામ પહોંચી ચૂકી છે.

વડાપ્રધાનએ ‘નમામિ ગંગે પ્રોજેક્ટ’ સાથે પ્રાકૃતિક કૃષિને સાંકળી છે, પ્રાકૃતિક ખેતી કરનારા ખેડુતોને વધુ ભાવો મળી શકે તે માટે નેચરલ ફાર્મિગ પેદાશોનું પ્રમાણિકરણ માટેની સીસ્ટમ પણ બનાવી છે. જેથી વિદેશોમાં સારી કિંમતે કૃષિપેદાશો એકસપોર્ટ થઈ રહી હોવાનું તેમણે કહ્યું હતું. વૈજ્ઞાનિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ. આગળ આવીને ખેડુતોને કેવીરીતે તાકાતવર બનાવી શકાય તે માટેના પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પર્વે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશભરમાં કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનશે. રાજ્યપાલએ આ પ્રસંગે કૃષિ અને કિસાનની ઉન્નતિ તેમજ દેશની આર્થિક સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરિયાત પૂરી પાડવા હરિત ક્રાંતિ સ્વરૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી. દેશના કૃષિ વૈજ્ઞાનિકોએ આ માટે પ્રશંસનીય કાર્ય કર્યું હતું જેનાથી દેશ ખાદ્યાન્ન ક્ષેત્ર સ્વાવલંબી બન્યો. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી ત્રસ્ત છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક અને ઓર્ગેનિક કૃષિનો 24 ટકા જેટલો ફાળો છે. રાસાયણિક કૃષિના કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થયા. ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે રાસાયણિક કૃષિથી ઉત્પાદિત દૂષિત આહાર આરોગવાથી લોકોને કેન્સર હૃદય રોગ, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગોના ભોગ બની રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના દૂષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રાકૃતિક કૃષિ છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને આજના સમયની માગ ગણાવીને જણાવ્યું હતું કે, એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સુક્ષ્મ જીવો રહેલા હોય છે ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતરનું કામ કરે છે. જેનાથી જમીનમાં સુક્ષ્મ જીવો અને અળસિયા જેવા મિત્રજીવોની વૃદ્ધિ થાય છે અને જમીનની ફળદ્રુપતામાં પ્રાકૃતિક રીતે વધારો થાય છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિમાં જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જમીનના આચ્છાદનથી અર્થાત્ મલ્ચિંગથી જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજ જળવાઈ રહે છે. જેથી પાણીનો વપરાશ ઓછો થાય છે, એટલું જ નહીં અળસિયા જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવા માટે વાતાવરણ પણ મળે છે. રાજ્યપાલએ આ તકે પ્રાકૃતિક કૃષિના બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર પાકના સિદ્ધાંતોને ઉદાહરણ સાથે સમજાવ્યા હતા. જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક ફાર્મિંગને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ પદ્ધતિ ગણાવી જૈવિક ખેતી ખેડૂતો માટે વધુ લાભદાયી નહીં હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એકદમ સરળ અને ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી કૃષિ પદ્ધતિ છે. જેનાથી પર્યાવરણનું રક્ષણ થાય છે. ભૂમિનું અને જળનું સંરક્ષણ થાય છે. દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. લોકોને સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે અને કૃષિ ખર્ચ ઘટે છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વાજબી મૂલ્ય મળવાથી ખેડૂતોને આર્થિક લાભ થાય છે. રાજ્યપાલએ ખેડૂત અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તેવો આગ્રહ કરી આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તેવા પ્રધાનમંત્રી મોદીના આહવાનને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જિલ્લા વહીવટી તંત્રને પ્રાકૃતિક કૃષિ સંમેલન પ્રસંગે વિશેષ આયોજન માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ અવસરે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેથી ગુજરાતનો પ્રત્યેક કિસાન ઝેરમુક્ત ખેતી કરવાનો સંકલ્પ લે. પ્રાકૃતિક ખેતીથી કૃષિખર્ચ ઘટશે, આરોગ્યદાયક ખાદ્યાન્ન મળશે તથા પર્યાવરણની રક્ષા થશે.
આ અવસરે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત વર્ષના અવસરે વડાપ્રધાન મોદીએ દેશના પ્રત્યેક ગામ દીઠ 75 કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સંકલ્પબદ્ધ કરવાનું આહવાન કર્યું છે, જેને ઝીલી લઈને રાજ્ય સરકાર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામાં સંકલ્પકૃત્ત હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આઝાદીના અમૃત વર્ષમાં આપણે ભૂતકાળમાંથી શીખીને સોનેરી ભવિષ્ય માટેનો માર્ગ બનાવવાનો છે, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પડકારોનો સામનો કરીને દેશને નવા ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આવનારી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે. સમગ્ર વિશ્વમાં બેક ટુ બેઝીક એટલે કે કુદરત તરફ પાછા ફરવાની પ્રણાલી શરૂ થઈ છે. અગાઉ જે રોગો 60-65 વર્ષની ઉંમરમાં જોવા મળતા હતા, તે આજે યુવાવસ્થામાં જોવા મળી રહ્યાં છે. સમગ્ર વિશ્વ બદલાતી જલવાયુની અસરોને અનુભવી રહ્યું છે. આ સમસ્યાના મૂળમાં રસાયણો દ્વારા પકવેલો આપણો ખોરાક પણ એક કારણ છે. જેની સામે પ્રાકૃતિક કૃષિ અપનાવી, સજ્જ બની કૃષિને ટકાવી રાખવી અનિવાર્ય હોવાનો સ્પષ્ટ મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિના પિતામહ સ્વરૂપ છે, જેમની પ્રેરણાથી લાખો કિસાનોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યપાલ ગુજરાતના ખેડૂતોનું આ વિષયમાં સતત માર્ગદર્શન કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને ‘પ્રાકૃતિક ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર’ની અનોખી ઉપમા આપેલી છે. અહીં ઉપસ્થિત પ્રત્યેક ખેડૂત દેશની માટી-ભૂમિને ઝેરી રસાયણોથી બચાવવાનો સંકલ્પ લે અને અન્ય ખેડૂતોને પણ આ અભિયાનમાં જોડે એવું આહવાન તેમણે કર્યું હતું.

રાજ્યના ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એનો સહર્ષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ આવનાર દિવસોમાં વધુને વધુ ખેડૂતોને વડાપ્રધાન અને રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે અને એક સમયે ‘સોને કી ચિડીયા’ કહેવાતં ભારત પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રસંગોચિત સંબોધન કર્યું હતું તેમજ આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીનું વિડીયો ફિલ્મ સૌએ નિહાળી હતી. આ અવસરે રાજયપાલ તથા મુખ્યમંત્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો, સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરતની પાંજરાપોળ દ્વારા એક હજાર દેશી ગાયો જરૂરીયાતમંદ ખેડુતોને વિનામૂલ્યે આપવામાં આવનાર છે જે બદલ ટ્રસ્ટી નયન ભરતીયાનું સન્માન કરાયું હતું.

પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોનું પ્રદર્શન કમ વેચાણ સ્ટોલને રાજયપાલએ ખુલ્લો મુકયો હતો. આ તકે મુખ્યમંત્રી તથા રાજયપાલએ સ્ટોલની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ, કૃષિ અને ઉર્જા રાજયમંત્રી મુકેશ પટેલ, ગૃહરાજયમંત્રી હર્ષસંધવી, નવસારીના સાંસદ સી.આર.પાટીલ, મેયર હેમાલી બોઘાવાલા, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, જિલ્લા કલેકટરઆયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, ખેતી નિયામક એસ.જે. સોલંકી, આત્મા પ્રોજેકટના ડાયરેકટર પ્રકાશ રબારી, નિવૃત્ત આત્મા ડાયરેકટરબી.વી.બારોટ, સંયુકત ખેતી નિયામક કમલેશ પટેલ, સુરત આત્મા પ્રોજેકટ ડાયરેકટર નિતિન ગામીત, જિલ્લા ખેતીવાડી સતીષ ગામીત, નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલ, નાયબ પશુપાલન નિયામક કિરીટ મોદી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) સી.આર.પટેલ, ખેતીવાડી તથા આત્મા પ્રોજેકટના અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *