
સુરત, 12 જુલાઈ : સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજરોજ જિલ્લા કલેકટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ મહુવા તાલુકા મથકે, પુર્ણા નદીકિનારે આવેલ બુધલેશ્વર, ચિત્રા અને ખરડ ગામોની મુલાકાત લીધી હતી. જેઓના ઘરમાં પાણી ભરાયા હતા તેઓને પ્રા.શાળા માં સ્થળાંતર સહિત ભોજન પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્રારા પુર અસરગ્રસ્તોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. મહુવા પ્રા. શાળા તેમજ કોમ્યુનિટી કીચનનું આયોજન કરી ફુડ પેકેટનું વિતરણ કરાયુ હતું. કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને તત્કાલ સર્વે કરી અસરગ્રસ્તોને કેશડોલ આપવા જણાવ્યું હતું.

ભારે વરસાદના કારણે મહુવા તાલુકાની પૂર્ણા નદીનું જળસ્તર વધતા રવિવારની મોડી રાત્રે મહુવા તાલુકા મથકે આવેલા ઝાંપાબજાર ખાતે રહેતા લોકોનું સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળાતર કરાયું હતું. મહુવા તાલુકા તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મહુવા ખાતે ઝાંપાબજારમાં લોકોના ઘરમાં 2 થી 3 ફૂટ પાણી ભરાય જતા સ્થાનિક લોકોના સહકારથી મામલતદારની ટીમ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા અંદાજે 32 પરિવારોનાં 159 અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરવખરી, અનાજ અને પશુના ચારાને નુકસાન થવા પામ્યું હતું. 159માંથી કેટલાક અસરગ્રસ્તો પોતાના સગાને ત્યાં તો બાકીના લોકોને સરકારી પ્રાથમિક શાળામાં ખસેડાયા હતા, જ્યાં તેમને પ્રાથમિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આજે વહેલી સવારે પુરના પાણી ઓસરતા અસરગ્રસ્તો ફરી પાછા પોતાના રહેઠાણમાં પરત ફર્યા હતા.

આ ઉપરાંત મહુવા તાલુકાના મિયાપૂર જુથ ગ્રામ પંચાયત હેઠળના બુધલેશ્વર ગામે પાણી ભરાઈ જવા પામ્યા હતા. ગામના સરપંચ પાસેથી જાણ થતાં ત્યાંની પરિસ્થિતિને કાબૂમાં લેવા વહીવટીતંત્રએ સતર્કતાપૂર્વક 40 જેટલા લોકોનું સ્થળાંતર કર્યું હતું. મહુવા તાલુકામાં સર્જાયેલ મેઘતાંડવનો ભોગ લોકો સાથે અબોલ પશુઓ પણ બન્યા, પરંતુ તંત્રની સતર્કતાએ કોઈ પણ જાનહાનિ વગર પશુઓને ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડી સુરક્ષિત કરી દીધા હતા.

પુર્ણા નદીમાં પાણી ઓસરતાં અને ઠેર ઠેર ભરાયેલા પાણી ઓછા થતા આ તમામ અસરગ્રસ્તોને પોતાના રહેવાસમાં હેમ ખેમ પાછા ખસેડી દેવાયા છે. અને જો ફરી પાછી આવી હાલાકી સર્જાય તો તંત્ર જરૂરી તમામ પગલાં ભરવા સજ્જ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત