
સુરત,12 જુલાઈ : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ તા.5મી જુલાઈથી જિલ્લામાં પરિભ્રમણ કરી રહ્યો છે, ત્યારે આજ રોજ બારડોલી તાલુકાના સુરાલી ગામની મો.ક.પટેલ માધ્યમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આવી પહોચતા શાળાની બાળાઓએ કુમ કુમ તિલક કરી સ્વાગત કરી ઉલ્લાસભેર રથને આવકારાયો હતો.

વરસાદી વાતાવરણના આનંદ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનો વિકાસ રથને આવકારવા પહોંચ્યા હતા. ગ્રામજનોએ ગુજરાતના 20 વર્ષના વિકાસ અને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતીની ગાથા દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. મહેમાનોના હસ્તે રૂા.32 લાખના 13 કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.24.60 લાખના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કર્યુ હતું. કોરોનાની પરિસ્થતિમાં સારી કામગીરી કરનારા ગામોના સરપંચોને કોરોનામુક્ત ગામનું પ્રમાણપત્રથી બિરદાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિત રાઠોડે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના મહામારી સામે લડવા માટે વેક્સિનેશનનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતે દુનિયાના અન્ય દેશોને પણ રસી પૂરી પાડી વિશ્વ કલ્યાણની ભાવનાને સુદ્રઢ કરી છે. આ સાથે તેમણે આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાઓને પણ બિરદાવી હતી. તેમણે બારડોલી તાલુકામાં છેલ્લા બે દાયકા દરમિયાન થયેલા વિકાસના કાર્યોની વિગતો આપી હતી.

વધુમાં રાઠોડે કહ્યું હતું કે,પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના માધ્યમથી બહેનોને ગેસના ચૂલા અને બોટલ ઉપલબ્ધ કરાવી બહેનોના આરોગ્યના રક્ષણની સાથે તેમની ઘણી મુશ્કેલીઓ દુર કરી છે અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાહબરી હેઠળ ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે એમ તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે ગામના સરપંચ અરુણા ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્યો, શાળાના આચાર્ય તથા શિક્ષણગણ,ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત