
સુરત, 13 જુલાઈ : સુરત શહેર તથા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર પહોચી છે. જો કે આજરોજ વરસાદનું જોર ઘટયું હતું. સવારના 6 થી સાંજના 4 વાગ્યા દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદની વિગતો જોઈએ તો સૌથી વધુ મહુવા તાલુકામાં 48 MM તથા સૌથી ઓછો ઓલપાડમાં 1 MM વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય તાલુકાઓના વરસાદ મિલીમીટરમાં જોઈએ તો, ઉમરપાડામાં 17, માંડવીમાં 30, માંગરોળમાં 9, સુરત શહેરમાં 8, માંગરોળમાં 9, ચોર્યાસીમાં 4, કામરેજમાં 5 એમ.એમ. વરસાદ નોંધાયો હતો.
ત્રણ દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે જિલ્લામાં દિવાલો પડી જવાના બનાવો બન્યા હતા. જેમાં મહુવા તાલુકાના દેદવાસણ ખાતે સવારે ઝાડી ફળિયામાં ગુલાબભાઈના ઘરની એક બાજુની પાકી દિવાલ પડી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈને ઈજા પહોચી ન હતી. અન્ય બનાવમાં દેદવાસણ ગામના રહેવાસી રેવાબેન ગમનભાઈ પટેલના ઘરની પાછળના ભાગે દિવાલ પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ધોળીકુઈ ગામે નરેશભાઈ પટેલનું કાચુ મકાન ધરાશાયું થયું હતું. જયારે 12મીએ મહુવાના સાંબા ગામે રહેતા મોહનભાઈ બારોટનું કાચુ મકાન પડી જતા નુકશાન થયું હતું.
માંગરોળ તાલુકાના મુખ્ય મથકે આવેલા રસ્તા પર રાત્રિના સમયે ઝાડ પડવાને કારણે રસ્તો બંધ થયો હતો. જેને તંત્ર દ્વારા જે.સી.બી.ની મદદથી તત્કાલ આ રસ્તાને પૂર્વવત કરાયો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત