
બેંગલોર, 15 જુલાઈ : વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને ધી આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર મહારાજને તેમના માનવતાવાદી કાર્યો માટે સૂરીનામના માનનીય પ્રમુખ ચંદ્રિકાપેર્સાદ સંતોખી દ્વારા ધી ગ્રાન્ડ કોર્ડન- ઓનરરી ઓર્ડર ઓફ ધી યલો સ્ટાર(Ere-Order van de Gele Ster) થી નવાજવામાં આવ્યા છે.
પોતાના વક્તવ્યમાં માનનીય પ્રમુખ સંતોખીએ કહ્યું,” આપ પ્રવર્તમાન તથા ભવિષ્યની પેઢીએ પણ જોવો અને અનુભવવો જોઈએ એવો પ્રકાશ ફેલાવી રહ્યા છો તેનું અમને ગૌરવ છે.આપ અમને સૌને શાંતિ તથા સંવાદિતા તરફ દોરી જશો…સૂરીનામની પ્રજા આપનું ઉમળકાભેર સ્વાગત કરે છે.”
સમારોહનું આયોજન પ્રમુખના મહેલમાં કરવામાં આવ્યું હતું. ગુરુદેવ એશિયામાંથી પ્રથમ છે કે જેને આ ખિતાબથી નવાજવામાં આવ્યા છે.ઐતિહાસિક રીતે આ ખિતાબ દેશોના વડાઓને આપવામાં આવતો હોય છે.સૌ પ્રથમ વખત એ કોઈ આધ્યાત્મિક નેતાને આપવામાં આવ્યો છે.સમારોહમાં સૂરીનામમાં ભારતના રાજદૂત શંકર ભાલચંદ્રન પણ ઉપસ્થિત હતા.
ગુરુદેવે ટ્વીટ કરી કે,” હું આ દેશમાં પ્રશંસનીય કાર્ય કરી રહેલા શિક્ષકો અને સ્વયંસેવકોને આ ખિતાબનું શ્રેય અર્પણ કરું છું.હું પ્રમુખ સંતોખી તથા આ બહુમાનના જજોનો આભાર માનું છું.”

ગુરુદેવે દક્ષિણ અમેરિકાના આ દેશની 21 વર્ષ પછી મુલાકાત લીધી છે, જ્યાં તેમનું સ્વાગત સૂરીનામના માનનીય રક્ષાબંધન મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. સવારે ગુરુદેવ દેશના અગ્રણી વેપારીઓને મળ્યા હતા. ત્યાં તેમણે કર્મચારી ગણના માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે આધ્યાત્મિકતાની અગત્યતા વિશે વાત કરી.સાંજે તેમણે પેરામારીબોમાં નેશનલ ઈન્ડોર સ્ટેડીયમ(એન્થની નેસ્ટી સ્પોર્થલ )માં ખીચોખીચ ભરેલી મેદનીને સંબોધન કર્યું. તેમણે એક ધ્યાન પણ કરાવ્યું તથા ત્યાં ઉપસ્થિત હજારો લોકો સાથે આદાનપ્રદાન કર્યું.મેદનીએ આર્ટ ઓફ લિવિંગના ‘જીવન એક ઉત્સવ’ના સંદેશાને અમલમાં મુકતા હોય તેમ પૌરાણિક મંત્રો અને સંગીતનો રસાસ્વાદ ભરપૂર માણ્યો.
માનનીય પ્રમુખે પણ ‘I stand for peace'(‘હું શાંતિની હિમાયત કરું છું’) ના શપથ લીધા.’I stand for peace’ એ ગુરુદેવ દ્વારા શાંતિમય વિકાસ,એકતા અને સંવાદિતા તરફ દુનિયાને પાછી વાળવા માટે શરુ કરેલું અભિયાન છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત