
સુરત, 16 જુલાઈ : છેલ્લા બે દાયકામાં ગુજરાતની વિકાસગાથાને આમજનતા સુધી પહોંચાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આજે આવી પહોચતા ગ્રામજનોએ વિકાસ રથનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે કુલ રૂા.24.50 લાખના રોડ રસ્તા, આરોગ્ય, ગટરલાઈન, પીવાના પાણીની પાઈપલાઈન સહિતના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરી ગ્રામજનોને વિકાસ સુવિધાઓની ભેટ આપવામાં આવી હતી.

ઉંભેળ ગામના દાઢીયા ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં અભિવાદન કાર્યક્રમ યોજી ‘વંદે ગુજરાત રથ’ને ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી આવકારવામાં આવી હતી. કાર્યક્રમમાં સગર્ભા-ધાત્રી માતાઓને પોષક આહાર કીટનું વિતરણ કરવાની સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમાનોને ઔષધીય છોડ આપી તેના જતન માટે પ્રતિજ્ઞા ગ્રહણ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ભારતી રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી એસ.એ.ચાવડા, મામલતદાર કૃતિકાવસાવા, કારોબારી અધ્યક્ષ રસિક પટેલ, પ્રાંત અધિકારીએસ.સી.સાવલિયા, સરપંચ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત