
સુરત, 16 જુલાઈ : રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે સુરત જિલ્લામાં ગામેગામ ભ્રમણ કરી રહેલી “વંદે ગુજરાત વિકાસયાત્રા”નું સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આગમન થતાં ઉમળકાભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. આજ રોજ વિકાસરથ માંડવી તાલુકાના સરકુઈ, સઠવાવ અને ઈસર ગામમાં પહોંચ્યો હતો, સઠવાવ ગામે સાંસદ પ્રભુ વસાવાએ ગ્રામજનોની ઉપસ્થિતિમાં કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું. આ વેળાએ સાંસદના હસ્તે પીએમ આયુષ્માન ભારત યોજનાના 1500 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રતિકરૂપે સઠવાવના ગ્રામજનોને આયુષ્માન કાર્ડની સાથોસાથ વિવિધ યોજનાકીય લાભો, મંજૂરીપત્રો અને સાધન-સામગ્રીની કીટનું વિતરણ કર્યું હતું. ગામલોકોએ છેલ્લા બે દાયકાની વિકાસગાથા વર્ણવતી ફિલ્મ નિહાળી હતી.

સઠવાવ ગામે આયોજિત કાર્યક્રમમાં સાંસદએ જણાવ્યુ હતું કે, છેલ્લા બે દાયકાનો વિકાસ અને ગામડાના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તેવો ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ઉદ્દેશ છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનારૂપે ખ્યાતિ ધરાવતી PMJY પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના દેશવાસીઓ માટે સંકટ સમયની સંજીવની બની છે.

તેમણે વિકાસના ફળો ગરીબો, પીડિતો, વંચિતો સુધી પહોંચે એ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવી ઉમેર્યું કે, 20 વર્ષના અતૂટ વિશ્વાસને આ સરકાર વધુ મજબૂત બનાવી રહી છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી તેનો બહોળો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.વરસાદી માહોલ છતાં ગ્રામજનો અને મહાનુભાવો યાત્રામાં ઉમળકાભેર સહભાગી થયા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી વિજય ભંડેરી, અગ્રણીઓ, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત