
સુરત, 18 જુલાઈ : રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસની વાતને ગામેગામ લઈ જવા માટે સુરત જિલ્લામાં ભ્રમણ કરી રહેલી ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ આજે કામરેજ તાલુકાના કરજણ ગામે આવી પહોંચતા ગ્રામજનોએ પ્રાથમિક શાળા ખાતે રથને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ તકે રૂા.30 લાખના 7 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ અકસ્માત વીમા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, વીજ જોડાણ, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના 21 જેટલા લાભાર્થીઓને યોજનાકીય સહાય અને લાભોના મંજુરીપત્રો એનાયત કરીને લાભાન્વિત કરાયા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય રવજીવસાવા, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ હિરલ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી એસ.એ. ચાવડા, આરએફઓ, તા. પંચાયતના સભ્યો, સ્થાનિક અગ્રણીઓએ રથને આવકાર્યો હતો. અતિથિઓનું ભારતીય સંસ્કૃતિ મુજબ ઔષધિય છોડ આપીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહેમાનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય રવજી વસાવાએ ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ અંગે ગુજરાત સરકારે દરેક સમાજના લોકોને કેન્દ્રમાં રાખીને રાજ્યના વિકાસને વેગ આપ્યો છે. સરકારની અનેકવિધ યોજનાઓની સંપુર્ણ માહિતી ગ્રામ્ય વિસ્તારમાં પહોંચાડવા વિકાસ રથ આપણા આંગણે પધાર્યો છે. લોકો સરકારની યોજનાઓથી વધુમાં વધુ લાભાન્વિત બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો. જરૂરિયાતમંદ લાભાર્થીઓને સરકારી યોજનાનો બહોળો લાભ મળે તેવા સરકારના પ્રયાસોની તેમણે સરાહના કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત