
સુરત,18 જુલાઈ : રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે વિવિધ યોજનાઓ અમલી છે, જેનો લાભ રાજ્યના લાખો લાભાર્થીઓ લઈ રહ્યા છે. આવી જ એક યોજના એટલે ‘સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતા’ના ધ્યેયને સાકાર કરતી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. જેનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવાનો છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. ગર્ભમાં રહેલા બાળકના 270 દિવસ અને જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ પોષણ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે. જેને ધ્યાને લઇ સરકાર દ્વારા આ 1000 દિવસમાં સગર્ભાઓના પોષણ માટે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ઓલપાડ તાલુકાના માસમા ગામના 25 વર્ષીય લાભાર્થી પ્રસૂતા દિવ્યા જિગ્નેશ પટેલ અને તેમના એક વર્ષના બાળકને પૂરક પોષણ આહાર મળી રહ્યો છે.
દિવ્યાપટેલે જણાવ્યું કે, ‘ગર્ભાવસ્થા દરમિયાન મને મારા ગામના આંગણવાડીના કાર્યકર દ્વારા માતૃશક્તિ યોજના વિશે માહિતી મળી, તેમણે મને આ યોજનાનો લાભ લેવા માટે માર્ગદર્શન આપ્યું. યોજનામાં મારા બાળકને નાનપણથી જ પોષણયુક્ત બનાવવા માટે સરકાર દ્વારા આંગણવાડી મારફતે પ્રતિ માસ 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. હાલ મારૂ બાળક એક વર્ષનું છે, અને તે બે વર્ષનું થશે ત્યાં સુધી આ લાભ મળશે. જ્યારે કોઇ પણ પ્રસુતા માતાને સુવાવડ બાદ પિયર પક્ષ તરફથી સુવાવડનો પૌષ્ટિક આહાર, ફળો. સુકો મેવો આપવાની પરંપરા છે. મને એ વાતની ખુશી છે કે આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર નિભાવી રહી છે, અને રાજ્યની સુવાવડી માતા અને નવજાત બાળકોને સુવાવડ બાદ જરૂરી પૌષ્ટિક આહાર પૂરો પાડીને સરકાર કાળજી લઇ રહી છે.
આમ, માતૃશક્તિ યોજના ઓલપાડ તાલુકાના માસમા ગામના પ્રસુતા દિવ્યા પટેલ અને તેમના બાળક માટે આશીર્વાદરૂપ બની છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત