
સુરત, 20 જુલાઈ : છેલ્લા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કપાસ, વેલાવાળા શાકભાજી, ધરૂવાડિયા જેવા પાકોને થયેલા નુકશાન માટેનો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા 10 ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી ખેડુતોને સત્વરે સર્વે કરીને સરકારના ધારાધોરણ મુજબ નુકશાનનું વળતર આપી શકાય. જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ડાંગર, તુવેર, શેરડી, રીંગણ, ભીડા, પપૈયા જેવા પાકોમાં 68.25 હેકટર વિસ્તારમાં33 ટકા અને તેથી વધુ નુકશાન માટેનો રૂા.9.24 લાખ નુકશાનીનો અંદાજીત લગાવાયો છે. જયારે ઉમરપાડા તાલુકામાં કપાસ, તુવેર, જુવાર જેવા પાકોમાં 20.35 હેકટર વિસ્તારમાં બારડોલી તાલુકામાં રીગણ, દૂધી જેવા પાકોમાં 38.21 હેકટર તથા માંડવી તાલુકામાં ફળાવસ્થાની વાનસ્પતીક પાકો માટે 7.80 હેકટર જમીનમાં નુકસાનીનો અંદાજ લગાવાયો છે. આમ અત્યાર સુધીમાં 84 જેટલા અસરગ્રસ્ત ગામોમાં 279 ખેડુતોનો 33 ટકાથી વધુ નુકશાનગ્રસ્ત વિસ્તાર તરીકે 131 હેકટરમાં નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવાયો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત