ઓલપાડની મહિલા માટે ‘આયુષ્માન ભારત’ તથા ‘ગંગાસ્વરૂપા આર્થિક સહાય’ યોજના આશીર્વાદરૂપ બની

સ્થાનિક
Spread the love

સુરત, 21 જુલાઈ : ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત’ આરોગ્યલક્ષી યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નિરાધાર ગંગાસ્વરૂપા મહિલાઓ માટે આધારરૂપ બનેલી ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવી અનેક માતાઓ-બહેનો શાંતિપૂર્વક જીવન નિર્વાહ કરી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા મથકના રોહિતવાસમાં રહેતા 52 વર્ષીય ગંગાસ્વરૂપા રેખા કાંતિ ચૌહાણે ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ મેળવ્યો, સાથોસાથ ગંગાસ્વરૂપા યોજનામાં પણ માસિક રૂ.1250 પેન્શન મેળવીને સુખમય જીવન વિતાવી રહ્યા છે. ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ રેખાબહેનની બે-વાર નિ:શુલ્ક બ્રેઈન સર્જરી પણ થઈ ચૂકી છે.
સરકારનો આભાર વ્યક્ત કરતાં રેખાબહેને જણાવ્યું હતું કે, લગ્ન બાદ સાસરે આવી અને હસતા રમતા સુખી જીવન પસાર કરી રહી હતી, પરંતુ વર્ષ 1992માં મારા પતિને કિડનીની બિમારી લાગુ પડી. ઘણી સારવાર કરવા છતાં સ્વસ્થ ન થયાં અને કિડની ફેઈલ થઈ જવાથી તેમનું દુઃખદ અવસાન થયું. ઘરનો આધાર છીનવાઈ જતાં મારા પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની. મારે એક વર્ષનો નાના દિકરો હતો. જેના ભરણપોષણની તમામ જવાબદારી મારા પર આવી પડી. જેથી અન્યોના ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આવા કપરા સમયમાં જીવનનિર્વાહ માટે રાજ્ય સરકારની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના મારા માટે આધારસ્થંભ બની છે જેમાં મને દર મહિને રૂ.1250ની સહાય મળે છે. હું મારી જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવી શકું છું, આ માસિક પેન્શનના સહારે જ હું આજે સ્વમાનભેર જીવન જીવી રહી છું.
રેખાબેન વધુમાં જણાવે છે કે, વર્ષ 2020માં નંણદ સાથે માર્કેટ જતા સમયે એક ભારે વાહને અમારી સ્કુટીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મને માથાના ભાગે ઇજા થતા કતારગામની કિરણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી, જ્યાં સારવાર કરતાં ડોક્ટરોએ તાકીદે બ્રેઈન સર્જરી કરવાનું કહ્યું. બ્રેઈન સર્જરીનો મોટો ખર્ચ થાય એમ હોવાથી આટલા રૂપિયા ક્યાંથી લાવીશ એની ચિંતા સતાવતી હતી, ત્યારે આવા મુશ્કેલ સમયમાં મારી વ્હારે આયુષ્માન કાર્ડ આવ્યું. હોસ્પિટલમાં આ યોજનાના કાઉન્ટર પર આરોગ્યમિત્રને મળ્યાં અને કાર્ડ બતાવ્યું તો તેમણે કહ્યું કે, ‘બ્રેઈન સર્જરીની સંપૂર્ણ સારવાર ‘મા’ યોજના હેઠળ વિનામૂલ્યે થઈ જશે.’. એ સમયે મારી વિનામૂલ્યે સર્જરી થતા હું આજે સંપૂર્ણ સ્વસ્થ છું.
આયુષ્માન ભારત યોજના ના હોત તો હું કદાચ સારવાર જ ન કરાવી શકી હોત અને પારાવાર ચિંતામાં વધુ બીમાર પડી ગઈ હોત એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને છેલ્લે રજા આપવામાં આવી ત્યાં સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક મળી છે. મારી પાસે એક પણ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બે વારની બ્રેઈન સર્જરી નિશુલ્ક થતા મને રાજ્ય સરકારે મને મોટા આર્થિક બોજથી બચાવી લીધી અને આજે ખુબ જ સ્વસ્થ અને સુખમય જીવન જીવી રહ્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *