સુરત : ભેસ્તાનની ધોરણ 12ની વિદ્યાર્થિની ગાંધીનગર વિધાનસભા ખાતે ‘યુવા મોડેલ એસેમ્બલી’માં ધારાસભ્ય તરીકે ભાગ લીધો

સ્થાનિક
Spread the love

સુરત, 21 જુલાઈ : ગુજરાત વિધાનસભા-ગાંધીનગર ખાતે આયોજિત ‘યુવા મોડેલ એસેમ્બલી’માં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સહભાગી થયેલા યુવાનો, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસની વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આયોજિત મોક એસેમ્બલીમાં સુરતના જીઆવ રોડ, ભેસ્તાન સ્થિત કૈલાસ માનસ વિદ્યામંદિરની ધો. 12 કોમર્સની વિદ્યાર્થિની હેતી નયનભાઈ જાનીએ પણ ધારાસભ્ય તરીકે ભાગ લીધો હતો. હેતી જાનીએ ધારાસભ્ય રૂપે પ્રાસંગિક ઉદ્દબોધન કરી રાજ્ય સરકારે ગ્લોબલ વોર્મિંગમાં કરેલી કામગીરીની સરાહના કરી હતી.

ભેસ્તાનના સ્વપ્નસૃષ્ટિ સોસાયટીમાં રહેતી હેતી જાનીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તા21 જુલાઈનો દિવસ અમારા સૌ વિદ્યાર્થીઓ-યુવાનોના જીવનનું સૌથી અનેરૂ અને યાદગાર સંભારણું બની રહેશે. વિધાનસભામાં અમને જીવનનું અણમોલ ભાથું મળ્યું છે, જે કારકિર્દી ઘડવામાં માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે. સમગ્ર રાજ્યનું સંચાલન જ્યાંથી થાય છે અને મહત્વના કાયદાઓ જ્યાંથી ઘડાય છે તેવા વિધાનસભા ગૃહમાં બેસીને અધ્યક્ષ, રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો અને વિપક્ષની ભૂમિકાઓ ભજવવાની અનોખી તક આપવા બદલ તેણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

કૈલાસ માનસ વિદ્યામંદિરના આચાર્યા ડો.ઇન્દિરા તેમજ શિક્ષકગણ અને શાળાના સ્ટાફ અને પરિવારજનો-મિત્રોએ હેતીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *