
સુરત, 21 જુલાઈ : જિલ્લા રોજગાર કચેરી ખાતે સુરત રિજિયનના નાયબ નિયામક (રોજગાર) મુકેશ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર્સ સાથે મહત્તમ રોજગારી સર્જનના ઉદ્દેશ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વીર નર્મદ યુનિવર્સિટી, પી.પી. સવાણી, વનિતા વિશ્રામ મહિલા યુનિ., સાર્વજનિક યુનિ., ભગવાન મહાવીર, ઉકા તરસાડીયા, વિદ્યાદીપ, ઓરો યુનિ.ના પ્રતિનિધિઓ જોડાયા હતા, અને રોજગારી નિર્માણ, સ્કીલ ડેવલપમેન્ટ અને અનુબંધમ પોર્ટલના ઉપયોગને વધારવાના વિષયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં થયેલા સામૂહિક ચિંતન અને મંથન મુજબ ઉદ્યોગોને જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે અને યુવાઓને સ્કીલ અનુસાર સારી રોજગારી મળી રહે એ માટે આવનારા સમયમાં દરેક યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓનું અનુબંધમ પોર્ટલ પર ફરજિયાતપણે ખાસ રજિસ્ટ્રેશન કરાવે તે જરૂરી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સુરત શહેર-જિલ્લામાં જે ક્ષેત્રોમાં સૌથી વધુ ડિમાન્ડ છે એવા ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી-IT, બેન્કિંગ અને ફાયનાન્સ, નર્સિંગ ક્ષેત્ર અને સેલ્સ માર્કેટિંગમાં સૌથી વધુ રોજગારીની તકો છે. વધુમાં વધુ ઉમેદવારોને તાલીમબદ્ધ કરી શકાય તો પ્લેસમેન્ટને વધુ વેગમાન બનાવી શકાય એના વિષે તેમજ આવનારા સમયમાં કયા ક્ષેત્રોમાં રોજગારીની બહોળી તકો ઉભી થશે તેમજ એ માટે ભાવિ કામગીરીના આયોજન માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.અનુબંધમ પોર્ટલ રોજગારદાતાઓ અને રોજગારવાંચ્છું ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બન્યું છે, ત્યારે આ પોર્ટલ વર્ક ફ્રોમ હોમ, પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ જોબ મેળવવા માટે પણ અસરકારક માધ્યમ છે. જેઓ હાલમાં નોકરી કરી રહ્યા છે, પરંતુ વધુ સારી નોકરી મેળવવા ઈચ્છતા હોય તેવા નોકરીવાંચ્છુંઓ માટે પણ આ પોર્ટલ ખૂબ મદદરૂપ નીવડશે. આ પોર્ટલ એ રીતે બનાવવામાં આવ્યું છે જેમાં કોઈ પણ વય, કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા મહિલા કે પુરૂષ ઉમેદવાર પોતાના કૌશલ્ય મુજબ સારી નોકરી મેળવી શકે છે. અસાઇન્મેન્ટ કે એજ્યુકેશન પ્રોજેક્ટ વર્ક માટેનો પણ આ પોર્ટલમાં વિકલ્પ ઉપલબ્ધ છે.
સ્કીલ્ડ ઉમેદવારોને સમયસર અને પસંદગીની રોજગારી મળે એ માટે રાજ્યનો શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ પણ સતત પ્રયત્નશીલ છે, ત્યારે વિશેષ ઝુંબેશના ભાગરૂપે સુરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા દર મંગળ અને ગુરૂવારે અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન ભરતી મેળો યોજાય છે. જેમાં ભાગ લેવા ઉમેદવારોને અનુરોધ છે. અમુક વિદ્યાર્થીઓને કેટલાક કારણોસર નોકરી પ્રાપ્ત થતી નથી, જેના અંગે ઊંડાણપૂર્વક ચિંતન કરી વિવિધ ઇન્ડસ્ટ્રીઝને રોજગાર ભરતી મેળામાં જોડવા અને ઇન્ડસ્ટ્રીઝ અને સ્કીલ પ્રોવાઈડરો વચ્ચે એમ.ઓ.યુ. થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ, બિપીન માંગુકિયા સહિત અધિકારીઓ, તમામ યુનિવર્સિટીના ટ્રેનિંગ & પ્લેસમેન્ટ ઓફિસર્સ-TPO દર્શન પુરોહિત (વીર નર્મદ યુનિ.), આશિષ દેસાઈ(પી.પી. સવાણી યુનિ.), ડો.હિતેષ જસાણી(વનિતા વિશ્રામ), શબ્બીર ઘડિયાલી(સાર્વજનિક યુનિ.,), વરૂણ ધીંગરા(ભગવાન મહાવીર યુનિ.), મનિષ નાકરાણી (ઉકા તરસાડીયા યુનિ.), કિશોર શર્મા (ઓરો યુનિ.) ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત