
સુરત,21 જુલાઈ : સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સુરત સિટિલિંક લિ.ની 35મી બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે તા21 જુલાઈથી રૂ.25ની ટિકિટ લઈને સિટી બસ તેમજ BRTS માં સમગ્ર સુરત શહેરમાં એક દિવસની અનલિમીટેડ મુસાફરી કરી શકાશે. રૂ.25ની ‘સુમન પ્રવાસ ટિકિટ’ને લીલી ઝંડી મળી જતા મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે નવયુગ કોલેજના BRTS સ્ટેન્ડથી આ અનોખી પહેલ હેઠળ રૂ.25/-ની કિંમતની ‘સુમન પ્રવાસ ટિકિટ’ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મનપાની આ યોજનાથી નિયમિતપણે સિટી બસ, BRTS સેવાનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ તેમજ બહારથી સુરત હરવા-ફરવા આવતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે. આ યોજનાથી લોકોની આર્થિક બચત તો થશે જ સાથોસાથ શહેરમાં ખાનગી વાહનોના ઓછા ઉપયોગ થકી પ્રદૂષણ પણ ઘટશે. આ સેવાનો વધુમાં વધુ લાભ મેળવી કાર્બન ઉત્સર્જન અને ટ્રાફિકની સમસ્યાને ઘટાડવામાં સુરતવાસીઓ સહયોગી બને તેમજ સુરક્ષિત મુસાફરીનો આનંદ માણે એવી તેમણે સૌને અપીલ કરી હતી.

વિશેષમાં આગામી તા.1 સપ્ટેમ્બરથી તા.30 સપ્ટેમ્બર સુધી સુરત મનીકાર્ડમાં TAP-IN/TAP-OUT એપ્લિકેશન તથા સિટિલિંક મોબાઈલ એપ મારફત ટિકિટ બુક કરવાં પર મુસાફરીમાં 100 % રાહત આપવામાં આવશે. આ પ્રસંગે ડે. કમિશનર કમલેશ નાયક, શાસક પક્ષ નેતા અમિતસિંગ રાજપુત, જાહેર પરિવહન સમિતિના ચેરમેન રમીલા પટેલ, શહેરીજનો અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત