
સુરત, 22 જુલાઈ : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓને પતિના મૃત્યુ પછી જીવન જીવવા માટે આર્થિક આધાર મળે અને સન્માનજનક જીવન જીવી શકે એ માટે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મોર ગામના 44 વર્ષીય ગંગાસ્વરૂપા ગીતા હેમંત પટેલ માટે આ યોજના વરદાનરૂપ બની છે. યોજના હેઠળ મળતી રકમ દીકરીઓના શિક્ષણ તેમજ ઘર ખર્ચમાં સહાયરૂપ બની રહી હોવાનું તેઓ હર્ષથી જણાવે છે.
ગીતાબેન કહે છે કે, ચૌદ વર્ષ પહેલા મારા પતિ હેમંત પટેલનું હાર્ટ અટેકથી અવસાન થતા પરિવારની જવાબદારી મારા પર આવી હતી. મારે સંતાનમાં બે દીકરીઓ છે. આર્થિક રીતે પગભર થવા માટે મેં ખેતરોમા મજૂરી કામ કરી ઘર ખર્ચની જવાબદારી વહન કરી છે, અને બાકીના સમયમાં ગામમાં અન્ય ઘરોમાં કચરાપોતા અને વાસણ માંજવાનું કામ પણ કરૂ છું. તેવામાં મને મારી એક બહેનપણી દ્વારા સરકારની ગંગાસ્વરૂપા યોજના વિષે જાણકારી મળી, જરૂરી પૂરાવા સાથે ફોર્મ ભર્યું અને નિયત સમયમાં મારી અરજી મંજૂર થઈ. હાલ મને દર મહિને સીધી બેંક ખાતામાં રૂા.1250ની સહાય મળે છે, જે દીકરીઓના શિક્ષણ માટે ખૂબ મદદરૂપ થઈ રહી છે.
છેલ્લા ચૌદ વર્ષથી મને આ યોજનાનો લાભ મળી રહ્યો હોવાનું જણાવતા ગીતાબેન ઉમેરે છે કે, આ યોજના અંતર્ગત અગાઉ 21 વર્ષની ઉંમરનો પુત્ર થાય પછી સહાય બંધ કરવાની જોગવાઇને રદ્દ કરવામાં આવી છે, જેના માટે અમે ખરેખર આજીવન રાજ્ય સરકારના ઋણી રહીશું, અમારા જેવી નિરાધાર અને ગરીબ વર્ગની મહિલાની ખરી દરકાર કરવા બદલ રાજ્ય સરકારના આભારી છીએ.
આમ, રાજ્ય સરકારની અનેક મહિલાલક્ષી પહેલોના કારણે જ આજે રાજ્યની મહિલાઓ સ્વમાનભેર ઉન્ન મસ્તકે જીવન જીવી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત