
સુરત, 26 જુલાઈ : ગાંધીજીની ગ્રામસ્વરાજની કલ્પના ગાય અને ગ્રામ આધારિત હતી. ભારતીય દેશી ગાયની માનવજીવનમાં ઉપયોગિતા વિશે વેદ-પુરાણો, ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખો જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં લોકો પરંપરાગત રીતે પ્રકૃતિ તેમજ ગૌમાતાને પૂજતા આવ્યાં છે. પુરાતનકાળમાં થતી ગૌ-આધારિત ખેતી આધુનિક યુગમાં પણ મૂર્તિમંત થઈ રહી છે, ત્યારે સુરત જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી વેગવંતી બની રહી છે. પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત કમલેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વઅનુભવ થકી જિલ્લાના 300થી વધુ ખેડૂતોને ગાય આધારિત ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. આવનારા સમયમાં 1000થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સંકલ્પ તેમણે કર્યો છે. રાજ્ય સરકાર તરફથી મધ્યપ્રદેશ તથા ડાંગના અનેક ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂકેલા કમલેશભાઈ કહે છે કે, ગુજરાત રાજ્યને દેશભરમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનાવવાના રાજ્ય સરકારના સપનાને વેગ આપવાનું કાર્ય કરી રહ્યો છું.

કમલેશભાઈ વર્ષોથી શેરડી જેવા પરંપરાગત પાકોમાં રાસાયણિક ખેતી કરતા હતા. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે, તેવી કલ્પના પણ તેમણે કરી ન હતી. વર્ષ 2015 સુધી ખેતીમાં સામાન્ય નફા કરતાં ઓછું કમાતા હોવાથી ખેતીને ખોટનો સોદો ગણતા હતા. પરંતુ કહેવાય છે કે, સારા લોકોનો સંગાથ અથવા યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચારસરણીમાં મોટું પરિવર્તન લાવી શકે છે. કમલેશભાઇ સાથે પણ આવું જ કંઇ બન્યું, તેમના મિત્ર જતિનભાઇ તેમને એકવાર પ્રાકૃત્તિક ખેતીના પ્રણેતા સુભાષ પાલેકરની તાલીમ શિબિરમાં લઈ ગયા.

કમલેશભાઇ જણાવે છે કે, ‘હું પ્રાકૃતિક ખેતીમાં બિલકુલ માનતો ન હતો, પરંતુ મારા મિત્ર જતિનભાઇએ ત્રણ દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિર માટે નાણા ભરી દીધા હોવાથી શિબિરમાં ન છૂટકે જવું પડ્યું હતું. આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીની અવનવી વાતો જાણવા મળતા મને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો માર્ગ મળ્યો. આ શિબિર પૂર્ણ કર્યા બાદ સુભાષ પાલેકરના શબ્દોની મારા પર જાદુઈ અસર થઈ. ચોથા દિવસે ગાય ખરીદીને પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા. શરૂઆતમાં લોકો મને અબુધ માનતા હતા. જે દિવસે મારા ખેતરમાં શેરડીની લણણી થઈ તે દિવસે આખું ગામ પાક જોવા આવી પહોંચ્યું હતું. મેં અગાઉ ક્યારેય 35 ટનથી વધુ પાક લીધો ન હતો, ત્યારે એક વીઘા જમીનમાં 45 ટન શેરડી નીકળી તે જોઈને સૌને આશ્ચર્ય થયું.

વધુમાં તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીને સ્વમર્યાદિત રાખવાને બદલે અન્ય ખેડૂતો સુધી પહોંચે તે માટેનો સંકલ્પ કર્યો. પરંતુ ગામના ખેડૂતો મને થયેલો લાભ જોઈને પણ સ્વીકારવા તૈયાર ન હતા. ઘણા ખેડૂતોએ કહ્યું કે, ખાતર બનાવીને આપો તો પ્રયત્ન કરીએ. એટલે એ પડકારને પણ સ્વીકાર્યો. શરૂઆતમાં એક ગાય અને વાછરડી લાવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. અમારા ગામ તથા આસપાસના ખેડૂતોની ડિમાન્ડને આધારે વધુ ગાયો લાવીને ઘન જીવામૃત બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં 126 ટન ઘન જીવામૃતનું ઉત્પાદન કરીને વેચાણ કરતો હતો. આજે 40થી વધુ ગાયો સાથે 1050 ટન ઘનજીવામૃત તૈયાર કરીને વ્યારા, સોનગઢ, બોડેલી, વલસાડ, ડાંગ સુધી વેચાણ કરૂ છું.

વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાની નેમ વ્યક્ત કરતા તેઓ કહે છે કે, શરૂઆતમાં કોઈ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થાય તો નજીવા દરે ઘનજીવામૃત આપું છું. તેઓ જણાવે છે કે રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને રૂ.900ની સહાય આપે છે, જે યોજનાનો લાભ હું પણ લઈ રહ્યો છું. ઉપરાંત આત્માના અધિકારીઓ પણ સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉમદા માર્ગદર્શન આપે છે, જે સરાહનીય છે.

કમલેશભાઈ પોતાની એક એકર જમીનમાં પંચસ્તરીય ખેતી પણ કરી રહ્યા છે, જેમાં આમળા, લીંબુ, જાંબુ, શેતુર, કમરખ, જમરૂખ, દાડમ, સીતાફળ અને સરગવાની ખેતી દ્વારા પણ વધારાની આવક મેળવી રહ્યા છે. આમ, તેઓ કુલ 13 વીઘા જમીનમાં પંચસ્તરીય, શેરડી તથા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ કાર્યમાં12 જેટલા લોકોને રોજગારી આપતા હોવાનું તેઓ જણાવે છે. તેઓ કહે છે કે, એક એકર જમીનમાં રાસાયણિક ખેતીનો રૂ.28 હજારનો ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા ફક્ત રૂ.2 હજારનો ખર્ચ થાય છે. સૌ ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવીને આવનારી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાના કાર્યમાં યોગદાન આપવાની અપીલ તેમણે કરી હતી.

જીવામૃત બનાવવાની રીત :
200 લીટર પાણી, 10 લીટર ગૌમૂત્ર, 10 કી.ગ્રા. છાણ, 1 મુઠી વડ નીચેની માટી/ શેઢા-પાળાની માટી/રાફડાની માટી, 1 કિ.ગ્રા. દેશી ગોળ, 1 કિ.ગ્રા. ચણાના લોટનું મિશ્રણ બેરલમાં નાખી લાંબી લાકડીથી ઘડીયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ એમ કુલ 2 વખત 1-1 મિનિટ માટે 7 દિવસ સુધી હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો. જીવામૃત જમીનમાં આપવાથી જીવાણુંની સંખ્યા ઝડપથી વધતા, હયુમસનું નિર્માણ ઝડપી બને છે જેના થકી બિનઉપયોગી સ્વરૂપમાં રહેલાં તત્વો ઉપયોગી સ્વરૂપમાં ફેરવાઈ જતા મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે.

ઘન જીવામૃત બનાવવાની રીત :
200 કિ.ગ્રા. સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ ગાયનું છાણ સાથે સાથે 20 લીટર જીવામૃત સાથે ભેળવવું. આ મિશ્રણને 48 કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતળા સ્તરમાં સુકવવું. આ સ્તરને દિવસમાં બે-ત્રણ વખત ઉપર નીચે કરવું. સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે ગાંગડાનો ભૂકો કરીને વર્ષ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. જેના ઉપયોગથી જીવાણુંની સંખ્યા ઝડપથી વધતા, હ્યુમસનું નિર્માણ ઝડપી બને છે, તેમજ સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લક્ષ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત થાય છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત