સુરત : આરબીઆઇના એકઝીકયુટીવ ડિરેકટરે ઉદ્યોગકારોને ‘ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ’ વિષે આપ્યું માર્ગદર્શન

સ્થાનિક
Spread the love

સુરત,26 જુલાઈ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, 26મી જુલાઇ, 2022ના રોજ સાંજે 4 કલાકે વેબેકસના માધ્યમ થકી ‘ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા– મુંબઇના એકઝીકયુટીવ ડિરેકટર ડો. દીપક કુમારે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ડો. દીપક કુમારે ઉદ્યોગકારોને 11મી જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા આરબીઆઇ સકર્યુલર નં. 10 (ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન ઇન્ડિયન રૂપીઝ) અંગે વિગતવાર માહિતી આપી હતી. આયાતકારો અને નિર્યાતકારો આરબીઆઇના આ સકર્યુલરનો કેવી રીતે લાભ લઇ શકે તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે જ આરબીઆઇની મંજૂરી મેળવવા માટે કઇ કઇ પ્રક્રિયા કરવાની હોય છે તે વિષે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.વધુમાં તેમણે ઉદ્યોગકારોને બર્મા, શ્રીલંકા, રશિયા, યુએઇ, સિંગાપોર, દુબઇ અને તમામ ગલ્ફ કન્ટ્રીમાં ઇન્ડિયન રૂપીઝમાં વેપાર કરી શકાય તેમ જણાવી એકસપોર્ટ – ઇમ્પોર્ટ માટે સૂચન કર્યું હતું. યુએઇ ટ્રેડીંગ હબ છે અને સુરતથી ખાસ કરીને કાપડ, ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી મોટા પાયે એકસપોર્ટ થાય છે ત્યારે ત્યાં પણ ઇન્ડિયન રૂપીઝમાં ઇન્ટરનેશનલ બિઝનેસની શકયતાઓ વધી શકે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણીએ વેબિનારનું સંચાલન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વેબિનારમાં ઉદ્યોગકારો દ્વારા કરાયેલા સવાલોના ડો. દીપક કુમાર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *