
સુરત, 1 ઓગસ્ટ : સુરત જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની સ્વસહાય જૂથની બહેનો ઘરઆંગણે સ્વરોજગારી મેળવી શકે એ માટે ઉમરપાડા તાલુકાના ઘાણાવડ ગામે મિશન મંગલમ શાખા-ઉમરપાડા, અદાણી ફાઉન્ડેશન-હજીરા, ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન, RSETI (બેન્ક ઓફ બરોડા-સુરત)ના સંયુક્ત ઉપક્રમે વિવિધ ચીજવસ્તુઓ, પાપડ, અથાણા અને મસાલા બનાવવા માટે 10 દિવસીય નિ:શુલ્ક તાલીમ કાર્યક્રમનો શુભારંભ થયો છે. જેમાં ઘાણાવડ ગામના 6 સખીમંડળની કુલ 35 બહેનો ભાગ લઈ રહી છે.

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આરંભિત અને ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન, RSETI- સુરત સંચાલિત 10 દિવસ ચાલનારા આ તાલીમ કાર્યક્રમમાં તાલીમ લીધા પછી બહેનો આ વસ્તુઓનું ઉત્પાદન કરીને પોતાનો લઘુઉદ્યોગ શરૂ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા તાલુકાના 6 જેટલાં ગામોમા ખેડૂતો, સખીમંડળો, યુવાનોની સાથે મળીને આર્થિક અને સામાજિક વિકાસ માટે ખેતી, પશુપાલન, સ્વરોજગારલક્ષી વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરાઈ છે. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામ સ્થિત વનરાજ આશ્રમ શાળામાં કન્યા હોસ્ટેલનું નિર્માણ કરાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત