સુરત, 1 ઓગસ્ટ : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીશક્તિના સામર્થ્યને વિકાસધારામાં જોડવા માટે રાજ્યવ્યાપી ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લામાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશ સાથે ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણીનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે તા.1 થી 8 ઓગસ્ટ દરમિયાન શહેર અને જિલ્લામાં મહિલાલક્ષી કાયદાઓ, નારી સુરક્ષા અને સ્વાવલંબન, મહિલા કલ્યાણકારી યોજનાઓનો લાભ સહિતના મહિલા ઉત્કર્ષના વિવિધ કાર્યક્રમો યોજાશે.
‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત તા.1લીએ મહિલા સુરક્ષા દિવસ, તા.2જીએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ દિન’, તા.3જીએ મહિલા સ્વાવલંબન દિન, તા.4થીએ મહિલા નેતૃત્વ, તા.5મીએ મહિલા કર્મયોગી, તા.6ઠ્ઠીએ મહિલા કલ્યાણ અને તા.7મીએ મહિલા અને બાળ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવશે.જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.2જીએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ દિન’ની ઉજવણી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કોફી વિથ કલેકટર/ડી.ડી.ઓ., બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે ટાસ્ક ફોર્સ બેઠક યોજાશે. વહાલી દીકરી યોજનાના મંજૂરી હકુમોનું વિતરણ પણ કરાશે. રમતગમત ક્ષેત્રે મહિલા રમતવીરોને ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવશે. સાથોસાથ PC & PNDT એક્ટ અન્વયે ડિકૉય ઓપરેશન હાથ ધરાશે. જેમાં બાતમીવીરોને પુરસ્કાર અપાશે. આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓની હાજરીમાં ‘બ્રેસ્ટ ફીડીંગ સપ્તાહ’ સંદર્ભે જાગૃતિ કાર્યક્રમ યોજાશે. કિશોરીઓ માટે એનીમિયા, માસિક તથા પ્રજનન સ્વાસ્થ્ય સબંધિત જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત, કોરોના બુસ્ટર ડોઝ રસીકરણ, આયર્ન ફોલિક એસીડ ટેબ્લેટ, સેનેટરી પેડનું વિતરણ કરાશે. આરોગ્ય ચકાસણી કેમ્પ યોજી BMI, હિમોગ્લોબિન ચેકઅપ કરવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત