સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા

સ્થાનિક
Spread the love

સુરત, 28 જુલાઈ : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ વચ્ચે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયે પર્યાવરણ જાગૃતિ અભિયાનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે.
‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અને ક્લાયમેટ ચેન્જ’ મુવમેન્ટના આ એમઓયુ અંતર્ગત આગામી સમયમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને જીપીસીબી સુરત જિલ્લામાં વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ હજારો યુવાનો સુધી પહોંચશે અને તેમને ક્લાયમેટ ચેન્જની વાસ્તવિક્તા વિશે જાગૃત કરશે અને તેમની અંદર પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની નિસ્બત ઊભી કરશે. તો સાથોસાથ આ બંને સંસ્થા દ્વારા વિશાળપાયે વૃક્ષારોપણની મુહિમ ઉપાડીને વિવિધ જગ્યાઓએ દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે.
આ વિશે જીપીસીબી સુરતના રિજનલ ઑફિસર ડૉ. જિજ્ઞાસા ઓઝા દ્વારા જણાવાયું હતું કે, ‘એવું પહેલી વાર બની રહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણને વરેલું અમારું બોર્ડ આવી ઝૂંબેશ સાથે સંકળાયું છે. પ્રદૂષણ નિયંત્રણ એ અમારી પ્રાથમિકતા છે અને એવા સમયે જાગૃતિ અભિયાન અને વૃક્ષારોપણની દિશામાં વધુ પ્રબળતાની કામ કરવું અમારે માટે આનંદ અને ગર્વની બાબત છે.’

તો ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું કે, ‘જીપીસીબી જેવી મહત્ત્વની સંસ્થા સાથે જોડાઈને પર્યાવરણ સંરક્ષણની દિશામાં કામ કરવું અમારે માટે ગર્વની બાબત છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુવમેન્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જ માત્ર સુરત જિલ્લામાં જ નહીં, પરંતુ ગુજરાતભરના યુવાનો સુધી પહોંચશે અને એ ચળવળને આધારે આપણે સૌ ક્લાયમેટ એક્શનની દિશામાં હકારાત્મક રીતે આગળ વધીશું.’
ઉલ્લેખનીય છે કે આ એમઓયુ અંતર્ગત જીપીસીબી સુરતની નવનિર્મિત ઑફિસને પણ ગ્રીન ઑફિસ તરીકે તૈયાર કરવામાં આવી છે. ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ ક્લાયમેટ એક્શનની થીમ પર તૈયાર થયેલી આ પહેલી મોડલ ઑફિસ રોજ સેંકડો લોકોને પર્યાવરણ સુરક્ષાની દિશામાં પ્રભાવિત કરશે. તો આ બંને સંસ્થા દ્વારા પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે મળીને પાંડેસરામાં ઈન્ડસ્ટ્રીયલ એરિયાનું પહેલું ‘અમૃત વન’ નામનું મિયાવાકી અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *